ચંદીગઢમાં ખેડૂતોની ધમાલ : પ્રદર્શન પહેલા સામે કાર્યવાહી, અનેકની અટકાયત, પોલીસે ઘરેથી ઉપાડી લીધા
પંજાબના ખેડૂતો વિવિધ પડતર માગણીઓને લઇને ફરી સરકાર સામે આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે, જેને લઇને બુધવારે ચંડીગઢમાં મોરચાનું આયોજન કરાયું હતું. જોકે આ મહાપંચાયત યોજાય તે પૂર્વે જ પંજાબમાં અનેક ખેડૂતો અને તેમના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અનેક નેતાઓના ઘરો પર પોલીસ પહોંચી હતી. પંજાબમાં આશરે ૨૦૦ ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
ટ્રેક્ટર અને ટ્રૉલી લઈને હજારો ખેડૂતો મહાપંચાયતમાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એમને પોલીસે અટકાવી ડિહા હતા. ચંડીગઢ બોર્ડર સીલ કરી દેવાઈ હતી. ત્યારબાદ ખેડૂતોએ પંજાબ સરકાર વિરુધ્ધ દેખાવો કર્યા હતા અને પૂતળા બાળીને સૂત્રોચ્ચાર કર્યો હતો. ટ્રેક્ટર માર્ચથી ભારે ટ્રાફિક જયાં થઈ ગયો હતો.
ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ જોગિંદરસિંહના ઘર પર પોલીસ પહોંચી હતી જોકે તેઓ હાજર નહોતા, બરનાલા જિલ્લામાં પણ અનેક ખેડૂત નેતાઓના ઘરે પોલીસ પહોંચી હતી. બુધવારના રોજ ચંડીગઢમાં ખેડૂતોની વિશાળ સભા યોજાવાની હતી જ્યાં આ ખેડૂત નેતાઓ પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી રહી હતી.
પાતડાંમાં ખેડૂત નેતા કુલવંતસિંહને નજરકેદ કરવામાં આવ્યા છે. તેઓ કુલ હિંદ કિસાન સભાના ઉપાધ્યક્ષ છે. કુલ હિંદ કિસાન સભા તે સંયુક્ત કિસાન મોરચાનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે, સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિલ્હીમાં કૃષિ કાયદાઓ સામે લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું હતું.