ખેડૂત આંદોલન : શું થયું બીજા દિવસે ? જુઓ
કઈ નવી ધમકી અપાઈ ?
કેન્દ્ર સરકાર સામે મેદાને પડેલા ખેડૂતો પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માંગે છે અને હવે ગુરુવાર એટલે આજથી રેલવે ટ્રેક જામ કરવાની ધમકી આપવામાં આવી હતી. ટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે 25 હજારથી વધુ ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે જેનો બુધવારે બીજો દિવસ હતો અને ખેડૂતો ફરી શંભુ બોર્ડરથી આગળ વધવા પ્રયાસ કરતાં હતા અને ફરી પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. દીલ્હી સહિત હરિયાણાની બોર્ડરો સીલ કરાઇ હતી. ખેડૂતો પાછા હટવા માંગતા નથી. પોલીસ ફોર્સ પણ વધારી દેવાઈ હતી.
દરમિયાનમાં સરકારે ફરી વાતચીતની ઓફર કરી હતી અને તેના જવાબમાં ખેડૂત નેતા સર્વણસિંઘે મીડિયા સામે એમ કહ્યું હતું કે અમે એમએસપી અંગે કોઈ સમજૂતી કરવાના નથી.
મંગળવારે હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોને રોકવા માટે આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત રબર બૂલેટ પણ ચલાવાઇ હતી. ત્યારે બુધવારે ફરી ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. . કિસાન મજદૂર મોરચાના સંયોજક સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં દિલ્હી જશે.
ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. આ સિવાય સરહદો પર આરએએફ, અર્ધલશ્કરી દળ, એન્ટી રાઈટ વ્હીકલ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વાહનોની તપાસ કરી રહી છે. ટ્રાફિક જામથી લોકોને બચાવવા માટે પોલીસે એડવાઈઝરી જારી કરી હતી.
ડ્રોનના ઉપયોગ હવે નહીં
પટિયાલા ડીસીએ અંબાલા ડીસીને પંજાબના વિસ્તારમાં ડ્રોન ન મોકલવા માટે પત્ર લખ્યો હતો. તેણે આ અંગે અંબાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને પણ જાણ કરી છે. હવે સરહદ પર ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.