ઉત્તર પ્રદેશમાં પકડાયું નકલી લગ્ન કૌભાંડ, જુઓ
સરકારી સહાય મેળવવા કર્યો કારસો
ઉત્તર પ્રદેશમાં સરકારી સહાય મેળવવા માટે સામૂહિક જ્ઞાતિ લગ્નમાં નકલી વર વધુનું કૌભાંડ ઝડપાયું હતું. લગ્ન સમારંભ દરમિયાન કેટલાક બનાવટી વર વધુ પોતાના હાથે જ વરમાળા ધારણ કરતા હોય અને કેટલાક કહેવાતા વર મોઢું છુપાવતા હોય તેવા દ્રશ્યો વાયરલ થયા બાદ આ નવતર કૌભાંડ નો પર્દાફાશ થયો હતો. આ મામલામાં બે સરકારી અધિકારી સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય કેતકીસિંહબમુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.
દેશમાં થતા કૌભાંડ ક્ષેત્રે નવો કીર્તિમાન રચાયો છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં 25મી જાન્યુઆરીએ યોજાયેલા આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં 568 યુગલો જોડાયા હતા. બાદમાં ભાંડો ફૂટ્યો કે આ કાર્યક્રમમાં વર અને વધુની ભૂમિકા નિભાવવા માટે બેકાર યુવાનો અને યુવતીઓને 500 રૂપિયાથી રૂપિયા 2000 સુધીની લાલચ આપવામાં આવી હતી. વરના અભાવને કારણે કેટલીક કન્યાઓ પોતાના હાથે જ વરમાળા ધારણ કરતી હતી. જોકે રંગે ચંગે સમારોહ સંપન્ન થયા બાદ સોશિયલ મીડિયામાં આવા વીડીયા વાયરલ થતા ભારે દેકારો થયો હતો અને બાદમાં તંત્રએ કરેલી તપાસમાં કૌભાંડ ખુલ્યું હતું.
સમૂહ લગ્નની આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા કન્યાને 51,000 ની સહાય આપવામાં આવે છે. એ સહાય ચાઉં કરી જવા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.