કોલકાતામાં ફૂટબોલ સુપર સ્ટાર મેસ્સીના કાર્યક્રમમાં ભારે અંધાધૂંધી, અરાજકતા
મેસ્સીનો કાર્યક્રમ માત્ર 20 મિનિટમાં આટોપી લેવાયો મમતા, શાહરૂખ અને ગાંગુલી પણ કાર્યક્રમમાં સામેલ ન થઇ શક્યા
કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે યોજાયેલા આર્જેન્ટિનાના ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીના કાર્યક્રમમાં ગેરવ્યવસ્થાને કારણે ભયંકર અંધાધૂંધી ફેલાઈ હતી. મેસ્સી ફક્ત 20 મિનિટ સુધી સ્ટેડિયમ પર રહ્યો હતો અને સલામતીના કારણોસર તેનો કાર્યક્રમ ટૂંકાવી બહાર લઈ જવામાં આવતા તેની એક ઝલક નિહાળવા ઉમટેલા હજારો ચાહકો તોફાને ચડ્યા હતા. દર્શકોએ સ્ટેડિયમની બેરીકેટ્સ તોડી નાખી હતી અને ખુરશીઓ અને પાણીની બોટલોના ઘા કરતાં સ્ટેડિયમમાં તંગદિલી સાથે અરાજકતા ફેલાઈ હતી. પરિસ્થિતિ એ હદે વણસી કે ખાસ આ પ્રસંગ માટે જ કોલકાતા આવેલા બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા નહોતા.
ફૂટબોલ સુપર સ્ટાર મેસ્સી શનિવારે સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે યોજાયેલા મોહન બગાન અને ડાયમંડ હાર્બર ટીમ વચ્ચેના મેચના હાફ ટાઇમ સમયે સ્ટેડિયમ પર પહોંચ્યો હતો. જો કે તેની એન્ટ્રી સાથે જ સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોએ તેની ગાડી તરફ દોટ મુકતા ભારે અંધાધૂંધી સર્જાઇ હતી. મેસ્સીને સુરક્ષા કર્મચારીઓએ ઘેરી લીધો હતો. મૂળભૂત રીતે મેસ્સી મેદાન ઉપર આવી અને સ્ટેડિયમનું આખું ચક્કર લગાવે તેવો કાર્યક્રમ હતો પરંતુ ભારે ભીડ અને ગેર વ્યવસ્થાને કારણે તે મેદાન પર આવ્યો જ નહીં.
દરમિયાન અનેક વીવીઆઈપી અને ફોટોગ્રાફરોએ મેસ્સીને ઘેરી લેતાં દર્શકો તેની એક ઝલક પણ મેળવવાથી વંચિત રહી ગયા હતા. આ ઘોર ગેરવ્યવસ્થા ને કારણે પ્રેક્ષકો ઉશ્કેરાયા હતા. પરિસ્થિતિ વણસવાના એંધાણ દેખાતા મેસ્સીને કાર્યક્રમ ટૂંકાવીને સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો હતો.
આયોજનના આ ધબડકાને કારણે, મેસ્સીની એક ઝલક નિહાળવા માટે રૂપિયા 5,000 થી 25,000 સુધીની ટિકિટો લઈને સ્ટેડિયમમાં પ્રવેશેલા હજારો પ્રેક્ષકો નિરાશ થયા હતા અને બાદમાં સ્ટેડિયમમાં તોડફોડ કરી હતી.વ્હેલી સવારથી સ્ટેડિયમ પર પહોંચી ગયેલા પ્રેક્ષકોએ મેસ્સીને આવકારતા હોિંર્ડગ્સ તોડી પાડ્યા હતા, ખુરશીઓ અને બોટલોના ઘા કર્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ અને સુરક્ષા કર્મચારીઓને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઉપસ્થિત લોકોએ, તૃણમૂલ કોંગે્રસના કાર્યકરો, નેતાઓ અનેવવીવી વીઆઈપીઓ એ મંચનો કબજો લઈ લેતા આ અરાજકતા સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
અમારા પૈસા પાણીમાં ગયાઃ ચાહકોએ રોષ વ્યક્ત કર્યો
મેસ્સીને નિહાળવા માટે મહિનાઓથી આતુર ચાહકો માટે આ ઘટના આધાતરૂપ હતી.એક પ્રેક્ષકે કહ્યું કે ફક્ત નેતાઓ અને કલાકારો મેસ્સીની આસપાસ હતા.અમારી પાસે 12 હજારની ટિકિટ છે, પણ અમે તેનો ચહેરો પણ જોઈ શક્યા નહીં. બીજા એક પ્રેક્ષકે પણ એ જ વાત કરતા કહ્યું કે મેસ્સી ફક્ત દસ મિનિટ માટે આવ્યો. બધા રાજકારણીઓ, મંત્રીઓ અને કોર્પોરેટ અધિકારીઓએ તેને ઘેરી લીધો હતો, તેથી અમે કંઈ જોઈ શક્યા નહીં. તેણે એક લાત પણ ન મારી, કોઈ પેનલ્ટી ન લીધી, કંઈ જ નહીં. તેઓએ એમ પણ કહ્યું હતું કે શાહરૂખ ખાન આવશે, પરંતુ તે આવ્યો નહીં. મેસ્સીને દસ મિનિટ માટે લાવવામાં આવ્યો અને પછી છોડી દેવામાં આવ્યો.તેમણે કહ્યું કે આ સંપૂર્ણ છેતરિંપડી હતી. લોકોના પૈસા, લાગણીઓ અને સમયનો બગાડ થયો, અમે કંઈ જોઈ શક્યા નહીં.
મમતા, ગાંગુલીને મળ્યા વગર મેસ્સી હૈદરાબાદ જવા રવાના
મેસ્સી શનિવારે મમતા બેનર્જી અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને મળવાનો હતો. પણ સ્ટેડિયમમાં થયેલી અશાંતિ અને સુરક્ષાની િંચતા અને પગલે એ મુલાકાત રદ કરી મેસ્સીએ બાકીના બધા કાર્યક્રમો ટૂંકાવી દીધા હતા અને નિર્ધારિત સમય કરતા વહેલા એરપોર્ટ પર પહોંચી અને હૈદરાબાદ માટે રવાના થઈ ગયો હતો.
મમતા બેનર્જીએ માફી માંગી
સોલ્ટ લેક સ્ટેડિયમમાં થયેલી અશાંતિ અને ગેરવહીવટ બદલ દિલગીરી વ્યક્ત કરી મમતા બેનર્જીએ અને મેસ્સી અને કોલકાતાના ફૂટબોલ ચાહકો બંનેની માફી માંગી હતી.તેમણે એક્સ ઉપરની પોસ્ટમાં લખ્યું કે, “સોલ્ટ લેક સ્ટેડિયમમાં આજે જોવા મળેલી ગેરવહીવટથી હું ખૂબ જ વ્યથિત છું અને આઘાત પામી છું. હું હજારો રમતપ્રેમીઓ અને ચાહકો સાથે કાર્યક્રમમાં હાજરી આપવા માટે સ્ટેડિયમ જઈ રહી હતી. હું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે લિયોનેલ મેસ્સી, તેમજ તમામ રમતપ્રેમીઓ અને તેના ચાહકોની દિલથી માફી માંગુ છું.” તેમણે આ ગેર વહીવટની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ અશીમ કુમાર રેના અધ્યક્ષપદ હેઠળ એક તપાસ સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી.
