અશાંતધારાની મુદત લંબાવો નહીંતો અમારું જીવવું હરામ થઈ જશે! રાજકોટની 25થી વધુ સોસાયટીના લોકોએ કલેક્ટરને કરી રજૂઆત
સરકાર દ્વારા રાજકોટના વોર્ડ નં.2 ઉપરાંત વોર્ડ નં.10 સહિતના વિસ્તારમાં અશાંતધારો અમલી બનાવવામાં આવ્યો છે. આ નિયમ જે વિસ્તારમાં લાગુ હોય ત્યાં હિન્દુ જ્ઞાતિનું મકાન કે મિલકત મુસ્લિમ જ્ઞાતિની કોઈ વ્યક્તિ ખરીદી શકતી નથી. જો કે ટૂંક સમયમાં જ અશાંતધારાની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી હોય ફરી સ્થિતિ બગડશે તેવી ભીતિ સાથે 25થી વધુ સોસાયટીના રહીશો બુધવારે સાંજે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને આવેદન પાઠવી મુદત લંબાવવા માંગ કરી હતી. જો કે મુદત લંબાવાશે નહીં તો જીવવું હરામ થઈ જશે તેવો ડર પણ વ્યક્ત કર્યો હતો.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સમય મર્યાદા નહીં વધારાય અથવા તો અમુક સોસાયટીનો અશાંત ધારા હેઠળ સમાવેશ કરવામાં નહીં આવે તો સાધુ વાસવાણી રોડ, પુનિતનગર, રેસકોર્સ પાર્ક, વોર્ડ નં.10માં ઉમા પાર્ક શેરી નં.4 સહિતના અનેક વિસ્તારોમાં ધાર્મિક માહોલ બગડી જવાની શક્યતા છે. વળી, આ વિસ્તારમાં રહેતા લોકો ઉપર જીવનું જોખમ હોવાનું પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું.
જો મુદતવધારો નહીં મળે તો વિધર્મીઓની રહેણીકરણી અને બિનશાકાહારી ભોજન લેવાની તેમજ નામ બદલીને લવ જેહાદ, બીજા ધર્મ પ્રત્યેની અસહિષ્ણુતાને લઈને ગુનાખોરીના બનાવોમાં વધારો થઈ શકે છે. આવેદનપત્ર પાઠવતી વખતે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ ઉપરાંત વોર્ડ નં.2ની સોસાયટીના રહીશો તેમજ વોર્ડ નં.10માં ઉમા પાર્ક શેરી નં.4માં આવેલા પ્રમુખ વિલા સહિતની સોસાયટીઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
