ટેરિફ બાબતે ભારત સાથે બધું જ સમું સુતરું પાર પડી જશે: ટ્રમ્પ કુણા પડ્યા
2 એપ્રિલથી ભારત ઉપર પણ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની એક કરતાં વધારે વખત જાહેરાત કરનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કુણા પડ્યા છે.શુક્રવારે પત્રકાર પરિષદમાં તેમણે બન્ને દેશ વચ્ચે ચાલતી ટેરિફ વાટાઘાટો પર સકારાત્મક વલણનો નિર્દેશ આપી અને બધું સારી રીતે પાર પડી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ટ્રમ્પે પત્રકારો સાથેના વાર્તાલાપ દરમિયાન વડાપ્રધાન મોદીને પોતાના ખૂબ સારા મિત્ર અને ” ખૂબ હોશિયાર ” માણસ ગણાવ્યા હતા.
તેમણે કહ્યું “વડાપ્રધાન મોદી તાજેતરમાં જ અહીં હતા. અને અમે હંમેશાં ખૂબ સારા મિત્રો રહ્યા છીએ. ભારત વિશ્વના સૌથી વધુ ટેરિફ લગાવતા રાષ્ટ્રોમાંનું એક છે. ભારત ખૂબ જ કઠોર છે. તેઓ (મોદી) ખૂબ જ હોશિયાર માણસ છે અને મારા ખરેખર ખૂબ સારા મિત્ર છે અને અમે ખૂબ સારી વાતચીત કરી હતી. મને લાગે છે કે ભારત અને અમારા દેશ વચ્ચે બધું ખૂબ જ સારી રીતે કામ કરશે.”
તેમનું આ નિવેદન યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશતા તમામ આયાતી વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી તેના બીજા જ દિવસે આવ્યું તે ખૂબ સૂચક છે. નોંધનીય છે કે 2 એપ્રિલથી અમલમાં આવનાર આ ટેરિફ યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચાતા લગભગ અડધા વાહનોને અસર કરશે, જેમાં વિદેશમાં એસેમ્બલ થતી અમેરિકન બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે મોદીની વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા બંનેએ દ્વિપક્ષીય વેપાર સંબંધોને ગાઢ બનાવવાનો સંકલ્પ લીધો હતો. વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દ્વિપક્ષીય માલ અને સેવાઓના વેપારને બમણાથી વધારી 500 મિલિયન ડોલર સુધી પહોંચાડવાનું ‘ મિશન 500 ‘ લક્ષ્ય નક્કી કર્યું હતું.
ટેરિફ વોર ટાળવા ભારત ચોક્કસ ક્ષેત્રોમાં ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે
ફેબ્રુઆરીથી, ભારતે ટેરિફને લગતા તણાવને ઓછો કરવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકા સાથે વેપાર સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. નવી દિલ્હીએ અમેરિકાથી ઊર્જા ખરીદીને 15 બિલિયન ડોલર થી વધારીને 25 બિલિયન સુધી વધારવાનું વચન આપ્યું છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત ટૂંક સમયમાં એફ-35 સ્ટેલ્થ ફાઇટર્સ આપવાની જાહેરાત કરી હતી.મિશન 500 અંતર્ગત અમેરિકા પાસેથી ભારતની તેલ, ગેસ અને લશ્કરી સાધનોની ખરીદીમાં ખૂબ મોટો વધારો શક્ય છે.
ટ્રમ્પની “અન્યાયી” ટેરિફની ટીકાના જવાબમાં, ભારતે બોર્બન વ્હિસ્કી પરની ટેરિફ 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરી છે. સરકારના ફેબ્રુઆરીના બજેટમાં પણ લક્ઝરી કાર, સોલર સેલ્સ અને મશીનરી પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવામાં આવી હતી, જેમાં ટોચની આયાત ટેરિફ 70 ટકા અને સરેરાશ ટેરિફ 11 ટકાથી નીચે લાવવામાં આવી હતી.