ફટાકડા ફૂટે નહી અને સુરસુરિયુ થઇ જાય તો તેનું પણ વળતર મળી શકે છે !
દિવાળી ઉપર ફોડવા માટે ફટાકડા લીધા હોય અને ટાણે જ ફૂટે નહી, ફટાકડાનું સુરસુરિયું થઇ જાય તો બધાનો મૂડ ખરાબ થઇ જતો હોય છે. આવી જ એક ઘટના વડોદરામાં બની હતી જેમાં વેપારીએ આવા ખામીવાળા ફટાકડા બદલાવી દેવાની કે પછી રીફંડ આપવાની ના પાડતા ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી અને કોર્ટે વેપારીને અઢી હજારનો દંડ ફટકાર્યો છે.
વડોદરાના રહેવાસી દક્ષાબેન મકવાણાએ શાલીમાર ટ્રેડીંગ નામની દુકાનમાંથી દિવાળીએ ફટાકડા ખરીદ્યા હતા પણ આ ફટાકડા ફૂટ્યા જ ન હતા. વડોદરા કન્ઝ્યુમર કોર્ટે આ ખામીયુક્ત ફટાકડાને કારણે થતા ભાવનાત્મક નુકસાનને ધ્યાનમાં રાખીને વેચનારને દંડ ફટકાર્યો છે એટલું જ નહી ભારપૂર્વક જણાવ્યું કે આવી ઘટનાઓ બાળકો માટે “માનસિક વેદના”નું કારણ બની શકે છે. વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે શાલીમાર ટ્રેડિંગના અરવિંદ ખેરેને માનસિક વેદના માટે દક્ષાબેન મકવાણાને રૂ. 2,500 ચૂકવવા ઉપરાંત, ખામીયુક્ત ફટાકડા માટે રૂ. 1,300 9% વ્યાજ સાથે અને રૂ. 3,000 કાનૂની ખર્ચ પેટે પાછા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, વેપારીએ ફટાકડાનું બીલ કોઈ બીજા વેપારીના નામનું આપ્યું હતું.જેને આયોગે અયોગ્ય વેપાર પ્રથા તરીકે ઓળખાવ્યું હતું. આમ, ભારતીય સંસ્કૃતિમાં દિવાળીના મહત્વ પર પ્રકાશ પાડતા પંચે કડક વલણ અપનાવ્યું હતું.
