ઇલેકટોરલ બોન્ડ:’ શંકાસ્પદ ‘ દાતાઓનું દાન કઈ કઈ રાજકીય પાર્ટીઓને મળ્યું?
લોટરી કિંગ સહિત અનેક ચર્ચાસ્પદ કંપનીઓના દાન ભાજપ સિવાયના પક્ષોને પણ મળ્યું હોવાનું અનુમાન
ઇલેક્ટોરલ બોન્ડ અંગેની એસબીઆઈ એ આપેલી વિગતો ચૂંટણી પંચે જાહેર કર્યા પછી પણ ક્યા દાતા એ કઈ પાર્ટીને દાન આપ્યું તે સ્પષ્ટ નથી થઈ શક્યું. જોકે સર્વોચ્ચ અદાલતે એસબીઆઇને બોન્ડ નંબર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે અને તે અંગેની સુનવણી આજે 18મી તારીખે થશે. બોન્ડ નંબર જાહેર થયા બાદ દાદા અને લાભાર્થી વચ્ચેની કડી સ્થાપિત થઈ શકશે. એ દરમિયાન કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી બાદ કેટલીક કંપનીઓએ દાન આપ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લોટરીના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની ફ્યુચર ગેમિંગ તથા સરકારી કોન્ટ્રાક્ટ મેળવનાર અન્ય કંપનીઓએ ભાજપને જ દાન આપ્યું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.જો કે અત્યાર સુધી રજૂ થયેલી વિગતો પરથી આવી વિવાદાસ્પદ કંપનીઓના દાન અન્ય રાજકીય પક્ષોને પણ મળ્યા હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.
આ બધા ફેઝમાં ભાજપ કરતાં અન્ય પક્ષોને વધારે દાન મળ્યું છે
ફેઝ 17: જુલાઈ 2020 માં 17 માં ફેઝમાં કુલ 150.51 કરોડના બોન્ડ ખરીદાયા હતા. ફ્યુચર ગેમિંગ દ્વારા એ ફેઝમાં 30 કરોડ રૂપિયાના બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. બંગાળની એમ. કે. જે. એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ 22.4 કરોડના અને સંજય ગોએન્કાની હલદીયા એન્જિનિયરિંગ લિમિટેડે એ ફેઝમાં 20 કરોડના બોન્ડની ખરીદી કરી હતી. હવે જોવાની ખૂબી એ છે કે એ ફેઝમાં ટીએમસીએ 107.60 કરોડના બોન્ડ વટાવ્યા હતા. જ્યારે ભાજપે એ ફેઝમાં માત્ર 18 કરોડની કમાણી કરી હતી.
ફેઝ 18: ઓક્ટોબર 2021 માં 18 માં ફેઝમાં કુલ 614.33 કરોડના બોન્ડ વેચાયા હતા. તેમાંથી ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટીએ 153 કરોડના, ટીએમસીએ 141.94 કરોડના, બીજેડી એ 125 કરોડના અને ડીએમકે એ 99 કરોડના બોન્ડ વટાવ્યા હતા. આ બધાની સામે ભાજપે 61.43 કરોડના બોન્ડ વટાવ્યા હતા. આ ફેઝમાં ફ્યુચર ગેમિંગે 195 કરોડના, મેઘા એન્જિનિયરિંગે 100 કરોડના, એસ્સેલ માઇનીંગે 50 કરોડના અને કોલકત્તાની હલદીયા એન્જિનિયરિંગે 30 કરોડના બોન્ડ ખરીદ્યા હતા
ફેઝ 20: એપ્રિલ 2022 ના 20 માં ફેઝમાં કુલ 648 કરોડના બોન્ડ વેચાયા હતા. તેમાંથી બીઆરએસ દ્વારા 410 કરોડના બોન્ડ વટાવવામાં આવ્યા હતા.ડીએમકેએ સો કરોડ અને ભાજપે 98.5 કરોડના બોન્ડ એનકેશ કર્યા હતા. આ ફેઝ માં ફ્યુચર ગેમિંગે સો કરોડના, હલદીયા એન્જિનિયરિંગે 25 કરોડના, યશોદા કોમર્શિયલ હોસ્પીટાલીટીએ 80 કરોડના, ડીએલએફ એ 40 કરોડના તથા મેઘા એન્જિનિયરિંગે 25 કરોડના બોન્ડની ખરીદી કરી હતી. આ બધી કંપનીઓ સામે તેમના દાન આપવાના કારણો અંગે શંકા
કુશંકાઓ વ્યક્ત થઇ રહી છે અને એ કંપનીઓનું બધું જ દાન ભાજપને મળ્યો હોવાનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ ઉપરોક્ત વિગતો જોતા એ સ્પષ્ટ થાય છે કે ભાજપ કરતા પણ કદાચ અન્ય રાજકીય પક્ષોને આ કંપનીઓનું વધારે દાન મળ્યું છે.