ધ્રોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 7 માટે 16 માર્ચે ચૂંટણી
વોર્ડ-7ના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતા નવો ચૂંટણી કાર્યક્રમ જાહેર
રાજ્યની 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીએ અંતર્ગત ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર-7ના ઉમેદવારનું ચૂંટણી પૂર્વે જ અવસાન થતા વોર્ડ-7ની ચૂંટણી મુલતવી રાખવામાં આવ્યા બાદ સોમવારે રાજ્ય ચૂંટણી પંચે હવે આગામી તા.16 માર્ચના રોજ વોર્ડ-7ની ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલ નગરપાલિકામાં વોર્ડ-7માં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દસરથસિંહ જામસંગ જાડેજાનું ચૂંટણીના ત્રણ દિવસ પૂર્વે એટલે કે, ગત.તા.13ના રોજ અવસાન થતા ધ્રોલ નગરપાલિકાના ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ કરવામાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી. જે બાદ સોમવારે રાજ્ય ચૂંટણી પંચે ધ્રોલ નગરપાલિકાના વોર્ડ-7 માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે જે અન્વયે 24 ફેબ્રુઆરીએ ચૂંટણીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવશે અને 1લી માર્ચ સુધીમાં ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે. જયારે 3 માર્ચે ઉમેદવારી પત્રની ચકાસણી અને 4 માર્ચે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ મુદત નક્કી કરી 16મીએ મતદાન અને 18 માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, વોર્ડ-7માં અગાઉ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને ફરીથી ઉમેદવારીપત્ર રજૂ નહીં કરવા પડે સાથે જ વોર્ડ નંબર 1થી 6ની ગણતરી આજે જ હાથ ધરવામાં આવશે.