શૈક્ષણિક વિકાસને મળશે વેગ: મોરબીની LE કોલેજને સ્વાયત્ત કરાશે, રાજકોટમાં NCC લીડરશીપ એકેડમીના બાંધકામ માટે 31 કરોડોની જોગવાઈ
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ માટેની જોગવાઈઓ ઉપર બોલતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મોરબી ખાતે આવેલી લખધીરસિંહજી એન્જિનીયરીંગ (એલ.ઈ.) કોલેજને સ્વાયત્ત બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એલ.ઈ.કોલેજમાં માળખાકીય સુવિધા ઉભી કરાશે સાથોસાથ લેબોરેટરીનું પણ અપગ્રેડેશન કરાશે. આ સિવાય કોલેજમાં નવા કોર્સ પણ શરુ કરવામાં આવશે. આ બધી સુવિધા માટે 35 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ ખાતે નેશનલ કેડેટ કોર ( એન.સી.સી.) લીડરશીપ એકેડમી બનાવાશે અને તેના બિલ્ડીંગના બાંધકામ માટે રાજ્ય સરકાર આ વરસે 31 કરોડ રૂપિયા ફાળવાશે.
રાજ્યની યુનિવર્સીટીઓમાં વાઈલ્ડ લાઈફ લર્નિંગ એક્સ્ટેન્શન, એડવાન્સ મટીરીયલ સેન્ટર, સેમી કંડકટર, હેરીટેજ, આર્કિયોલોજી, લાઈફ લોંગ લર્નિંગ જેવા અભ્યાસક્રમ શરુ કરાશે અને તેના માટે 28 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
ભાવનગર ખાતે ગુજરાત નેવલ યુનિટ ખાતે બોટ હાઉસનું નિર્માણ કરાશે. સરકારે 16 નવી સરકારી કોલેજ શરુ કરવા માટે તથા 8 કાર્યરત કોલેજમાં વધારાનો નવો પ્રવાહ શરુ કરવા માટે 126 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 20 કોલેજમાં બાંધકામ પણ કરાશે. સરકારી કોલેજ અને યુનીવર્સીટીઓમાં સ્પોર્ટ્સની સુવિધા પણ ઉભી કરાશે. ઉચ્ચ શિક્ષણની 136 સરકારી કોલેજના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મરમ્મત, જાળવણી વગેરે માટે 46 કરોડ ફાળવાશે.
અમદાવાદ ખાતે એલ.ડી.કોલેજ ઓફ એન્જીનીયરીંગ ખાતે બોયઝ હોસ્ટેલના નવા બે બ્લોક માટે 51 કરોડ અને રીસર્ચ પાર્કના બાંધકામ માટે 51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
