એક જ કલાકમાં ભારત, તાજિકિસ્તાન, મ્યાનમારમા ભૂકંપ
રવિવારની સવાર દક્ષિણ અને મધ્ય એશિયા માટે મુશ્કેલ બની હતી. માત્ર એક કલાકમાં, ભારત, મ્યાનમાર અને તાજિકિસ્તાનમાં ચાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. જો કે કોઈ જાનહાની થઈ નહતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પહેલો ભૂકંપ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સવારે 9 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા ૩.૪ હતી અને ઊંડાઈ માત્ર ૫ કિલોમીટર હતી. ભૂકંપ હળવો હોવા છતાં, તેની અસર એટલી જોરદાર હતી કે લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળી ગયા.
મ્યાનમારમાં , 5.5 ની તીવ્રતા
આના થોડા સમય પછી, મ્યાનમારમાં બીજો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, તેની તીવ્રતા 5.5 હતી અને તે મ્યાનમારના મ્યિતકીના વિસ્તાર નજીક ત્રાટક્યું હતું. ૨૮ માર્ચે આવેલા ૭.૭ ની તીવ્રતાના વિનાશક ભૂકંપ પછી આ ભૂકંપને અત્યાર સુધીનો સૌથી મજબૂત આફ્ટરશોક ગણાવવામાં આવી રહ્યો છે.
વિદેશની ધરતી ધ્રુજી
રવિવારે સવારે તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સવારે ૯:૫૪ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા શરૂઆતમાં ૬.૪ જણાવવામાં આવી હતી, જે બાદમાં સુધારીને ૬.૧ કરવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. લગભગ 40 મિનિટ પછી, સવારે 10:36 વાગ્યે, બીજો ભૂકંપ અનુભવાયો, જેની તીવ્રતા 3.9 હતી.