ડમ્પરે તો ઉપાડો લીધો! રાજકોટની માલિયાસણ ચોકડીએ પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટના CCTV તોડ્યા: 4.50 લાખનું નુકસાન
રાજકોટમાં બેફામ દોડતા ડમ્પર સમયાંતરે અકસ્માત સર્જી સામાન્ય લોકોનું જીવન છીનવી લયે છે અથવા ગંભીર ઇજા પહોંચાડતાં હોય છે. ત્યારે આવા જ એક ડમ્પરે હવે માલિયાસણ ચોકડીએ પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવેલ સીસીટીવી પોલને ધરાશાયી કરતાં 4.50 લાખનું નુકશાન પહોચાડ્યું હોવાનું સામે આવ્યું છે.

આ અંગની વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા નજીક રહેતા અને ઈશાન ઈન્ફોટેક નામની કંપનીમાં સિનિયર ઇજનેર તરીકે નોકરી કરતા રવિભાઈ પ્રવિણભાઈ નડિયાપરાએ કુવાડવા પોલીસ મથકમાં જીજે 39 ટી 7236 નંબરના ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની કંપની ગુજરાત પોલીસના “વિશ્વાસ ફેઝ 2 પ્રોજેક્ટ” હેઠળ રાજકોટ સિટી પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાનું દેખરેખ રાખવાનું કામ કરે છે. રવિવારે રવિભાઈ પોતાના ઘરે હતા ત્યારે કંપનીના મેનેજર ચિતલ રાવલનો ફોન આવેલો અને જણાવેલ કે માલિયાસણ ચોકડી પાસે અકસ્માત થયેલ છે જેમ કંપની દ્વારા દેખરેખ રાખવામાં આવતા સીસીટીવી કેમેરાને નુકશાન થયેલું છે.

રવિભાઈ બનાવ સ્થળે પહોંચતા તેઓએ જોયું હતું કે, ડમ્પર સીસીટીવી પોલ સાથે અથડાતાં પોલ નમી ગયો હતો અને તેમાં લગાવેલ 1.50 લાખના ત્રણ કેમેરા, 6 નાઇટ વિઝન લાઇટ ( કિંમત 1.10 લાખ), તેમજ લોખંડનો પોલ ( કિંમત 75 હજાર), તેમજ બંને પોલને જોડતો એક હોરીઝોન્ટલ ગ્રેન્ટી ( કિંમત 1.15 લાખ) તૂટી જવા પામેલ છે. ત્યારે બેદરકારીથી ડમ્પર ચલાવી અકસ્માત સર્જી 4.50 લાખનું નુકશાન થવા બદલ કુવાડવા રોડ પોલીસ મથકમાં આરોપી ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો હતો ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
