રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના : છેડતીની શંકાએ બે સગા ભાઈઓની કરપીણ હત્યા, બંનેને છરીથી રહેંસી નાખ્યા
રાજકોટમાં ગઇકાલ રાત્રિએ ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતિય શખ્સોએ છેડતીની શંકાએ બે સગાભાઇઓને આડેધડ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા હતા. જેમાં નાના ભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટાભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ નીપજતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
વધુ માહિતી મુજબ શહેરનાં સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતિય અમિત રાજુભાઇ જૈન (ઉ.વ.29) અને વિક્કી રાજુભાઇ જૈન (ઉ.વ.25) નામના બંને ભાઈઓ પર સોમવારની રાત્રે તેમની સાથે એક જ ઘરમાં નીચેના માળે રહેતા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેને કારણે એક ભાઈ તો લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલતમાં 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશના ઉજજૈનના વતની રાજુભાઇ જૈન અને તેનો પરિવાર રાજકોટમાં આર્યનગરમાં રહે છે અને ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે. પરિવાર જે મકાનમાં રહે છે તે મકાનના જ નીચેના ભાગે હત્યારા છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા પણ રહે છે, જૈન બંધુ કેટલાક સમયથી છોટુ શંકરની પત્નીની છેડતી કરે છે તેવી છોટુ શંકરને શંકા હતી. આ બાબતે સોમવારની રાત્રે ફરીથી માથાકૂટ થતાં અમિત અને વિક્કી જૈનને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મૃતક અમિતની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી
ઘટનાની જાણ 108ને કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિક્કીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં વિક્કી જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે, મેડિકલ ટીમની સારવાર કારગત નીવડી ન હતી અને તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતક અમિત જૈનના પત્ની અમીનાબેનની બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પરથી તપાસ શરૂ કરી હતી.