ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
કોરોના મહામારી પછી હૃદય રોગના હુમલાને કારણે યુવાનોના થતા અચાનક મૃત્યુ અને કોરોનાની વેક્સિનને કોઈ સંબંધ નથી તેવી સ્પષ્ટતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધરમૈયાએ કર્ણાટકમાં મોટી સંખ્યામાં થયેલા હૃદયરોગ સંબંધિત મૃત્યુ માટે કોરોના વેક્સિનની આડ અસરો કારણભૂત હોઈ શકે છે તેવું નિવેદન કર્યા બાદ બુધવારે આરોગ્ય મંત્રાલયે આ સ્પષ્ટતા કરી હતી.

આરોગ્ય મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR), રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) અને AIIMS દ્વારા બે તબક્કે હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી અભ્યાસોએ નિશ્ચિતપણે સ્થાપિત કર્યું છે કે કોરોના વાયરસ રસી અને કોવિડ-19 પછી યુવા વયસ્કોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા અનુસાર 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તૃતીય સ્તરની 47 હોસ્પિટલોમાં ઓક્ટોબર 2021 થી માર્ચ 2023 વચ્ચે દેખીતી રીતે સ્વસ્થ હોય પણ અચાનક મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓના કેસના અભ્યાસ કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ જણાયું હતું કે કોવિડ-19 વેક્સિન યુવા વયસ્કોમાં અસ્પષ્ટ અચાનક મૃત્યુનું જોખમ વધારતી નથી. હૃદય રોગના હુમલાથી થતા યુવાનોના મૃત્યુ માટે આનુવંશિક પરિબળો, જીવનશૈલી, પૂર્વ-અસ્તિત્વમાં રહેલી સ્થિતિઓ અને કોવિડ પછીની જટિલતાઓ કારણભૂત હોઈ શકે છે તેવું આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

યુવાનોમાં હૃદયરોગના હુમલાઓને કારણે દેશભરમાં ચિંતાનો માહોલ
દેશમાં 40 વર્ષથી ઓછી ઉંમરના યુવા વયસ્કોમાં હૃદયરોગના હુમલાના દરમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 40 અને 50 વર્ષ વચ્ચેના અનેક સેલિબ્રિટીઓ અચાનક હૃદય રોગને કારણે મૃત્યુ પામ્યા છે. આમાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (40), ગાયક કેકે (53), અભિનેતા પુનીત રાજકુમાર (46), ફિલ્મ નિર્માતા રાજ કૌશલ (50), અને હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ (58)નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ સેફાલીના મૃત્યુને પણ કોરોના રસી સાથે જોડવાનો પ્રયાસ થયો હતો.
આ પણ વાંચો : આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન
દરમિયાન કર્ણાટકના હસન જિલ્લાના એક જ મહિનામાં 20 યુવાનોના હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુ થયા બાદ
કર્ણાટકના મુખ્યમંત્રીએ તેના માટે કોરોના વેક્સિન જવાબદાર હોવાની આશંકા કરી હતી. તેમણે તપાસ માટે એક પેનલની પણ રચના કરી છે. જો કે આરોગ્ય મંત્રાલય સ્પષ્ટ કર્યું છે કે આવા કોઈ દાવાને વૈજ્ઞાનિક સમર્થન નથી. આવા દાવા કરવાથી લોકોમાં વેક્સિન પ્રત્યે બિનજરૂરી આશંકાઓ ઊભી થાય છે અને તેનાથી જાહેર આરોગ્ય અને અસર પડી શકે છે તેવો ભય આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કર્યો હતો.