કોલકત્તાકાંડ: ડોકટરો કામ પર ચડે, સીબીઆઇ વધુ તપાસ કરે; સુપ્રીમ કોર્ટ
કોલકત્તા અરજી હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા અંગેના કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અદાલતે હોસ્પિટલના ડોકટરોને 10 મીએ એટલે કે આજે સાંજે 5 વજ્ઞા સુધી ડયુટી જોઇન કરવાનો આદેશ કર્યો હતો. જો એમ નહીં થાય તો સખત કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી. સીજેઆઈ ચંદ્રચૂડની આગેવાનીવાળી બેન્ચે એવો સવાલ કર્યો હતો કે રિસીપ્ટ વિના પોસ્ટમોર્ટમ કેવી રીતે થયું ? ચલણનો કોઈ ઉલ્લેખ નથી. જો આ અંગેના દસ્તાવેજ ગાયબ હોય તો તે ગંભીર ગોટાળો છે.
સીબીઆઇને બધુ તપાસ કરીને બીજો સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો. બીજી બાજુ બંગાળ સરકાર વતી વકીલ કપિલ સિબ્બલ અને સીબીઆઇ તરફથી એસજી તુષાર મહેતાએ દલીલો કરી હતી. સીબીઆઈનો સ્ટેટ્સ રિપોર્ટ બંધ કવરમાં અદાલત સમક્ષ મુકાયો હતો.
હવે આ બારામાં વધુ સુનાવણી 17 મીએ થશે. કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈનો સ્ટેટ્સ રિપોર્ટ જોયો છે અને તેમાં હજુ વધુ તપાસની જરૂર છે. ફરીવાર બીજો અહેવાલ રજૂ કરવો પડશે. મહેતાએ કોર્ટને એવી જાણકારી આપી હતી કે ફોરેન્સિક નમૂના આગળની તપાસ માટે એઇમ્સ મોકલવામાં આવશે.
23 દર્દીના મોત થયા
દરમિયાનમાં કપિલ સિબ્બલે કોર્ટને એવી રાવ કરી હતી કે આરજી હોસ્પિટલના તબીબોની હડતાળને લીધે 23 લોકોના મોત થઈ ગયા છે અને ગંભીર દર્દીઓની સારવારમાં અવરોધ આવી રહ્યો છે.
કોર્ટનો સવાલ
અદાલતે બંગાળ સરકાર અને પોલીસની આકરી ટીકા કરી હતી અને સિબ્બલને એવો સવાલ કર્યો હતો કે રિસીપ્ટ વિના મહિલા તબીબનું પોસ્ટમોર્ટમ કેવી રીતે થયું ? રિપોર્ટનો સમય પણ બતાવાયો નથી. ચલણની કોઈ માહિતી અપાઈ નથી. જો આ અંગેના દસ્તાવેજ ગાયબ હોય તો તે ગંભીર ગોટાળો છે.