તબીબોએ મમતાની ‘મમતા’ ઠુકરાવી હડતાલ યથાવત: કોકડું ફરી ગૂંચવાયું
તમામ માગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો જુનિયર તબીબોનો હુંકાર
કોલકાતાના પોલીસ કમિશનર અને આરોગ્ય વિભાગના ટોચના બે અધિકારીઓને રવાના કરવાની કોલકાતાના જુનિયર તબીબોની માગણી રાજ્ય સરકારે સ્વીકાર્યા બાદ પણ તબીબોએ હડતાલ ચાલુ રાખતા કોકડું ફરી ગૂંચવાયું છે. તબીબોએ તેમની તમામ માગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પડતર માગણીઓ અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રી સાથે વધુ એક બેઠક કરવાની માગણી કરી હતી.
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ જુનિયર તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. તેમની સાથે બેઠક કરવાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પ્રયાસો ચાર ચાર વખત નિષ્ફળ રહ્યા બાદ રાજ્ય સરકારે મંગળવારે છેલ્લી અને પાંચમી વખત તબીબોને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.
એ બેઠકમાં મુખ્યમંત્રીએ કોલકત્તાના પોલીસ કમિશનર અને આરોગ્ય વિભાગના બે ટોચના અધિકારીઓને બદલી નાખવાની તબીબો ની માગણી નો સ્વીકાર કર્યો હતો. સાથે જ હોસ્પિટલોની માળખાગત સુવિધા વધારવા માટે 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની પણ ખાતરી આપવામાં આવી હતી. સમગ્ર મિટિંગની મિનિટ બનાવવામાં આવી હતી જેમાં બંને પક્ષ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીએ બાદમાં કહ્યું હતું કે તબીબોની માગણી અમે સ્વીકારી છે કારણ કે તેઓ અમારા નાના ભાઈ છે.એ બેઠક બાદ જુનિયર તબીબો હડતાલ સમિતિ લેશે તેવી આશા જાગી હતી પરંતુ તબીબો હડતાલ ચાલુ રાખવા માટે અડગ રહ્યા છે.
વેસ્ટ બેંગાલ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટના પ્રવક્તાએ હેલ્થ સેક્રેટરીના રાજીનામાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે અમારા આંદોલનને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમારા આંદોલનના દબાણને કારણે સરકાર ત્રણ અધિકારીઓની બદલી કરવા મજબૂર બની છે અને તે અમારી ચળવળ નો આંશિક વિજય છે પરંતુ હજુ અનેક માગણીઓ નો નિકાલ નથી થયો.
તેમણે કહ્યું કે માત્ર હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધારવી એ પૂરતું નથી. તેમણે પૂરતા સ્ટાફની તેમજ કાઉન્સેલિંગ સર્વિસની વ્યવસ્થા કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે ભય નું રાજકારણ દૂર થવું જોઈએ. મમતા બેનર્જીએ પેશન્ટ વેલફેર કમિટીની રચના કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી કંઈ લેખિત ન મળ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
