મુંબઈના ડોક્ટરોએ શોધી કેન્સર વિરોધી દવા : કીમોથેરાપીની સાથે અપાશે
ન્યૂટ્રાસ્યુટિકલ થેરાપીના મળ્યા સારા પરિણામો : જુનથી દવા ઉપલબ્ધ બનશે
કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ જગાવતી શોધ ટાટા મેમોરિયલ સેન્ટરના તબીબો દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, તેમણે એવી થેરાપી તૈયાર કરી છે જે કેન્સરને ફેલાતું રોકે છે અને તેનું જોખમ ઘટાડે છે. આ થેરપીનું નામ ન્યૂટ્રાસ્યુટિકલ થેરપી છે. દશકા સુધી ચાલેલું તેમનું રિસર્ચ કેટલાય પ્રખ્યાત જર્નલ્સમાં પ્રકાશિત થયું છે. રિસર્ચ પ્રમાણે, કેન્સરના મૃતપ્રાય કોષોમાંથી ‘ક્રોમોઝોમ ફ્રેગમેન્ટ્સ’ (ક્રોમેટિન) નીકળી છે, જે અમુકવાર સ્વસ્થ કોષો સાથે મળીને નવું ટ્યૂમર તૈયાર કરે છે.
ન્યૂટ્રાસ્યુટિકલ ફૂડ કે ફૂડ પ્રોડક્ટ છે જે બેઝિક ન્યૂટ્રીશન કરતાં વધુ આરોગ્યપ્રદ સાબિત થાય છે. જેનું કારણ તેમાં ઉમેરવામાં આવેલા બાયોએક્ટિવ પદાર્થો કે મેડિકલ પ્રોપર્ટીઝ છે. રિસર્ચની આગેવાની કરનારા ડૉ. ઈન્દ્રનીલ મિત્રાનું કહેવું છે કે, “ઘણાં દર્દીઓ સારવાર બાદ કેન્સરમુક્ત થઈ જાય છે પરંતુ અમારા સ્ટડીમાં બહાર આવ્યું છે કે, હાલની કેન્સરની સારવારમાં ફરી ઉથલો મારવાનું સંભવિત જોખમ દેખાય છે. કીમોથેરપી અને રેડિયોથેરપીથી કેન્સરના મુખ્ય કોષો નષ્ટ થાય છે પરંતુ તેના કારણે મૃતપ્રાય કેન્સર કોષોમાંથી ક્રોમેટિન્સ નીકળે છે, જેને cfChPs કહેવાય છે. જે શરીરના અન્ય ભાગમાં લોહી વાટે પ્રવેશ કરે છે અને ત્યાં કેન્સર પેદા કરે છે.”
cfChPs પરના વધુ ટેસ્ટ પરથી માલૂમ પડ્યું કે, તાંબા અને દ્રાક્ષ કે બેરીઝ જેવા પ્લાન્ટમાંથી તૈયાર થતાં ન્યૂટ્રાસ્યુટિકલ ક્રોમેટિન્સને મંદ પાડીને મેટાસ્ટેટિસ એટલે કે કેન્સરના ફેલાવાના જોખમને ઘટાડે છે, તેમ TMCના ડાયરેક્ટર ડૉ. રાજેન્દ્ર બાવડેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું. TMCએ ન્યૂટ્રાસ્યુટિકલમાંથી દવા બનાવવા માટે તેના ઉત્પાદક સાથે જોડાણ કર્યું છે. આ દવા કીમોથેરપીની સાથે જ ડૉક્ટરો દ્વારા લખી આપવામાં આવશે. આ દવા જૂન મહિનાથી ઉપલબ્ધ થશે.
કેન્સરના ફેલાવાનો મુદ્દો કેટલીય સદીઓથી ખૂબ અગત્યનો અને ચર્ચાસ્પદ રહ્યો છે. ડૉ. મિત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, “કેન્સર કઈ રીતે ફેલાય છે? એવા કેટલાય કેસ નોંધાયા છે જેમાં કેન્સરયુક્ત કોષોને કાઢી નાખવામાં આવ્યા હોવા છતાં દર્દીનું મૃત્યુ થાય છે.” ડૉ. મિત્રાની ટીમે માણસના બ્રેસ્ટ કેન્સરના કોષો ઉંદરમાં ઈન્જેક્ટ કર્યા હતા. “ઉંદરોમાં સૌ પહેલા તો અમે જે કેન્સર થયું હતું તેને મટાડ્યું અને ત્યાર પછી તેના મગજની બાયોપ્સી કરી. જેમાં ખબર પડી કે માણસમાં કેન્સર કરતાં cfChPs કોષો હજી પણ તેમાં રહેલા હતા”, તેમ ડૉ. મિત્રાએ ઉમેર્યું.
સ્ટડીમાં આગળ કીમોથેરપી, રેડિયોથેરપી અને સર્જરીના વિવિધ રાઉન્ડ કરવામાં આવ્યા અને તેમાં પણ અગાઉ જેવા જ પરિણામ મળ્યા હતા. સ્ટડી દરમિયાન ડૉક્ટરોએ ઉંદરમાં ન્યૂટ્રાસ્યુટિકલ પણ ઈન્જેક્ટ કર્યા હતા. ડૉ. મિત્રાએ કહ્યું, “ઉંદરની બ્રેન બાયોપ્સીમાં cfChPsનું નીચું સ્તર જોવા મળ્યું હતું.”
“બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પછી બ્લડ કેન્સરના 20 દર્દીઓ જેમના મોંઢામાં પીડાદાયક અલ્સર અને ઈસોફીગસ થયા હતા તેમને અમે ન્યૂટ્રાસ્યુટિકલ્સ આપ્યા હતા”, તેમ ટીએમસીના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. નવીન ખત્રીએ જણાવ્યું. જે દર્દીઓને ન્યૂટ્રાસ્યુટિકલ્સ આપવામાં આવ્યા હતા તેમનામાં અલ્સરનું ઓછું પ્રમાણ જોવા મળ્યું હતું. આ જ પ્રકારનું પરિણામ પેટના કેન્સરના દર્દીઓમાં દેખાયું હતું. તેમના પરનો સ્ટડી નવેમ્બર 2022માં મેડિકલ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત થયો હતો, તેમ ડૉ. ખત્રીએ ઉમેર્યું.
ઓરલ કેન્સર સર્જન ડૉ. પંકજ ચતુર્વેદીએ ઓરલ કેન્સરના દર્દીઓ પર આ દવાઓની અસર ચકાસી હતી. તેમણે કહ્યું, “અમારા સંશોધનમાં બહાર આવ્યું કે, પ્રમાણમાં ઓછા ખર્ચાળ ન્યૂટ્રાસ્યુટિકલ્સ કીમોથેરપી સાથે સારવારમાં આપવા જોઈએ જેથી તેની આડઅસર ઘટાડી શકાય.” ડૉક્ટરોનું કહેવું છે કે, તેમનું આ સંશોધન કેન્સરની સારવારની પોલીસીમાં ફેરફાર કરવામાં મહત્વનું સાબિત થશે.
