ભારત સરકારે કોવિશિલ્ડની ઘાતક અસરોની સંપૂર્ણ અવગણના કર્યાનો તબીબોનો આક્ષેપ
તબીબોની ચેતવણીઓ સરકારે કાને ન ધરી
ભારતમાં કોરોના મહામારી સમયે આપવામાં આવેલી કોવીશિલ્ડ વેક્સિનની ઘાતક આડ અસરો અંગે અનેક વખત ચેતવણી આપવા છતાં સરકારે આંખમીંચામણાં કર્યા હોવાનો અવેકન ઇન્ડિયા મુવમેન્ટ નામના તબીબોના સંગઠને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.
એ સંગઠનના રેડિયોલોજિસ્ટ ડોક્ટર તરુણ કોઠારીએ
પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વેક્સિનને કારણે થયેલા મૃત્યુની ઘટનાઓની સરકારે સદંતર અવગણના કરી છે. આવી અનેક ઘટનાઓ છતાં પણ સરકાર સતત એ વેક્સિન ને સલામત અને અસરકારક ગણાવતી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે મૃત્યુની વધતી જતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી તેના વૈજ્ઞાનિક કારણો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સાથે જ વેક્સિનની આડઅસર અંગે વહેલાસર જાણકારી મળે તે માટે વૈજ્ઞાનિક ઢબે પ્રયાસો હાથ ધરવા તેમ જ મોનિટરિંગ મિકેનિઝમ ઊભું કરવાનો અનુરોધ કર્યો હતો. તબીબો એ જણાવ્યું કે આ વેક્સિનની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની આડ અસરોનો સંપૂર્ણ ડેટા મેળવ્યા વગર જ તેનો ઉપયોગ શરૂ કરી દેવાયો હતો.
નોંધનીય છે કે એસ્ટ્રા ઝેનેકાની આ વેક્સિન ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા બનાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ભારતમાં યુવાનોમાં પણ હૃદય રોગના હુમલા ને કારણે થતા મૃત્યુની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે. વેકસીનને કારણે લોહીમાં ગઠ્ઠા જામી જતા હોવાનો ઉત્પાદક કંપનીએ અદાલતમાં સ્વીકાર કર્યા બાદ વિવાદ ચરમ સીમા પર પહોંચ્યો છે.
હજારો સ્ત્રીઓ આડઅસરનો ભોગ બની
અવેકન ઇન્ડિયા મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગાયનેકોલોજીસ્ટ અને એન્કોલોજિસ્ટ ડોક્ટર સુજાતા મિતલે કોવીશિલ્ડની આડઅસરને કારણે હજારો મહિલાઓના માસિક ધર્મની સાયકલ ખોરવાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. આ સંગઠન દ્વારા ભોગ બનેલા લોકોને વળતર આપવાની તેમજ તે અંગેની ફરિયાદોના નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાની પણ રજૂઆત કરવામાં આવી છે.