યુટ્યુબરના મગજમાં ગંદકી…સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાની ઝાટકણી કાઢી : ધરપકડ પર સ્ટે
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં માતા-પિતા વિશે અભદ્ર મજાક કરી ત્યારથી તે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તેની સામે અલગ અલગ રાજ્યોમાં કેસ નોંધાયેલા છે. આ રદ કરાવવા માટે, યુટ્યુબરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મંગળવારે કોર્ટમાં સુનાવણી થઈ. ભારે ઠપકા બાદ, યુટ્યુબરને ધરપકડમાંથી શરતી રાહત મળી છે.
માતા-પિતા વિશે ગંદા જોક્સ કહેવા બદલ મુશ્કેલીમાં મુકાયેલા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને હવે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. જોકે, કોર્ટે યુટ્યુબરને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ‘તેના મનમાં ગંદકી છે.’ તેમણે એમ પણ કહ્યું કે લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે કોઈ પણ નિવેદન આપી શકાય. અલ્હાબાદિયાએ તેમની સામે નોંધાયેલી તમામ FIR ને એકસાથે જોડવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી. જસ્ટિસ કાંતે પૂછ્યું, ‘શું તમે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો બચાવ કરી રહ્યા છો?’ આ અંગે, અલ્હાબાદિયાનું પ્રતિનિધિત્વ કરતા વકીલ ડૉ. અભિવન ચંદ્રચુડે કહ્યું, ‘કોર્ટના અધિકારી તરીકે, મને ઉપયોગમાં લેવામાં આવતી ભાષાથી નારાજગી છે.’ કોર્ટે પૂછ્યું કે અરજદારના મતે અશ્લીલતા ખરેખર શું છે ?
જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે, તમે જે શબ્દો પસંદ કર્યા, તેનાથી તમારા માતા-પિતા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હશે, બહેનો પણ શરમમાં મૂકાઈ હશે. આખો સમાજ શર્મિદગી અનુભવી રહ્યો છે. આ વિકૃત માનસિકતા છે. તમે લોકો સમક્ષ તમારી વિકૃતિ રજૂ કરી.
રણવીર અલ્હાબાદિયાના વકીલે એફઆઈઆર રદ કરવાની માગ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ અશ્લીલતા નથી તો શું છે? અમે તમારી વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર કેમ રદ કરીએ, જો કે, તમામ બાબતોને ધ્યાનમાં લેતાં કોર્ટે આ મામલે નવી એફઆઈઆર ન નોંધવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે રણવીરની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે રણવીરની ધરપકડ પર વચગાળાની રોક લગાવી રાહત તો આપી પરંતુ આકરી ઝાટકણી પણ કાઢી હતી. તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. તેમજ આ પ્રકારના શો રજૂ ન કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મગજની ગંદકી અને વિકૃત વિચારસરણી છે. તમારી આ હરકતોના કારણે તમારા માતા-પિતા અને બહેનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે.