રાજકોટની કટારિયા ચોકડીએ બ્રિજના સર્વિસ રોડ માટે નડતરરૂપ 25 મકાનનું ડિમોલિશન
રાજકોટની કટારિયા ચોકડીએ આઈકોનિક બ્રિજ બનાવવાનું કામ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે ત્યારે બ્રિજ નીચેથી સર્વિસ રોડ કાઢવા માટે 25 જેટલા કાચા-પાકા મકાન નડતરરૂપ થઈ રહ્યા હોય મહાપાલિકા દ્વારા તેનું ડિમોલિશન કરી પંદર કરોડ રૂપિયાની 1500 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી સાથે સાથે ડિમોલિશન પૂર્ણ કરીને તુરંત જ સર્વિસ રોડ માટેનું ખોદકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે મહાપાલિકાની ટીપી સ્કીમ નં.10-મોટામવાનો અંતિમખંડ કે જે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુનો છે ત્યાં છેલ્લા દસેક વર્ષથી 25 જેટલા કાચા-પાકા મકાનો બની ગયા હતા. આ મકાનને દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી જે મળતાંની સાથે જ અમુક ભાડુઆતો તેમજ મકાનધારકોએ જગ્યા ખાલી કરી નાખી હતી જ્યારે જેમણે મકાન ખાલી કર્યા ન્હોતા તેમને તંત્રએ ખાલી કરાવ્યા બાદ ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કારમાલિકો માટે માઠાં સમાચાર : થર્ડ-પાર્ટી વીમો મોંઘો થઇ શકે, IRDAIએ પ્રીમિયમ 18-25% વધારવાનું સૂચન કર્યું

એકંદરે બ્રિજ નીચેથી સર્વિસ રોડનો માર્ગ મહદ અંશે મોકળો થઈ ગયો છે. હવે કટારિયા શો-રૂમની અમુક જમીન સર્વિસ રોડના કામ માટે કપાતમાં જાય છે પરંતુ તે જગ્યા દસ્તાવેજવાળી હોવાથી તંત્ર તેનો કબજો લઈ શકે તેમ ન હોય હજુ એક વખત જમીન આપવા માટે કહેવામાં આવશે આમ છતાં જો જમીન આપવામાં નહીં આવે તો પછી ત્યાંથી સર્વિસ રોડ કાઢવામાં નહીં આવે અને ખોદકામ કરીને ત્યાંથી રસ્તો બંધ કરી દેવામાં આવશે.