સોમનાથમાં ડિમોલિશન નિયમાનુસાર જ કરાયુ છે : રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં જવાબ
તાજેતરમાં સોમનાથ મહાદેવના મંદિર આસપાસના વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકામો તોડી પડવાની ઘટનામાં હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ સુનાવણી શરૂ કરવામાં આવી છે.
જેમાં અરજદારે અરજીમાં કરેલા આક્ષેપ પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે, નિયમોમાં રહીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.મન ફાવે તેવા ડિમોલિશન નથી કરવામાં આવ્યા.નિયમોમાં રહીને જ કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર અને અરજદાર દ્વારા સામસામે કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ સરકારે જણાવ્યું કે, 2023થી આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી.
પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને 9 મસ્જિદ તથા 45 પાકા મકાનોને તોડી પાડીને 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ દબાણ હટાવવાના ઓપરેશન દરમિયાન લોકોના ટોળા એકત્ર થઈ જતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
આ મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઈજી તથા જંગી પોલીસ કાફલો ઉપરાંત અન્ય વિભાગોના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યો હતો.