સંસદમાં ખોટી માહિતી આપવા બદલ મોદી અને અનુરાગ ઠાકુર સામે પગલાં લેવા માંગ
કોંગી સાંસદે લોકસભાના અધ્યક્ષને પત્ર લખ્યો
ભાજપે રાહુલ સામે ફરિયાદ કર્યા બાદ કોંગ્રેસે વળતી ફરિયાદ કરી:મોદીના દાવાને પડકાર્યા
લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ખોટી માહિતીઓ આપી હોવાં અંગે ભાજપના સાંસદ સુષ્મા સ્વરાજે નોટિસ આપીને રાહુલ સામે કાર્યવાહી કરવા લોકસભાના સ્પીકરને અનુરોધ કર્યો અને સંસદીય મંત્રી કિરણ રીજજુએ, ” કાયદામાંથી કોઈ ચમરબંધી પણ છટકી શકશે નહિ ” તેવું નિવેદન આપ્યા બાદ હવે કોંગ્રેસે એવા જ કારણોસર વડાપ્રધાન મોદી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર સામે કાર્યવાહી કરવા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે.
કોંગ્રેસના સાંસદ માનીકચંદ ટાગોરે પત્રમાં જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી અને સાંસદ અનુરાગ ઠાકુરે સંસદમાં લોકો અને સંસદને ગેરમાર્ગે દોરતા નિવેદનો કર્યા હતા.
અનુરાગ ઠાકુરે 2014 માં ભાજપ સતા ઉપર આવ્યો તે પહેલાં ભારત પાસે ફાઈટર જેટ અને પર્યાપ્ત હથિયારો ન હોવાનું જણાવ્યું હતું.કોંગી સાંસદે પત્રમાં જણાવ્યા મુજબ ત્યારે ભારત પાસે જગુઆર,મિગ – 29, SU – 30, મિરાજ 2000 લડાકુ વિમાનો હતા ભારત પાસે પરમાણુ બોમ્બ હતા અને અગ્નિ,પૃથ્વી,આકાશ,નાગ, ત્રિશુલ અને બ્રહ્મોસ મિસાઇલો હતા.
છેલ્લા દસ વર્ષમાં સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખા થી બહાર કાઢ્યા હોવાના દાવાને પણ કોંગ્રેસે પડકાર્યો છે.કોંગ્રેસે 16 રાજ્યોમાં વોટ શેર ગુમાવ્યા હોવાના વડાપ્રધાનના દાવાને ખોટો ગણાવી કોંગ્રેસે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ,કર્ણાટક, તેલંગણા વગેરે રાજ્યોમાં કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે.વડાપ્રધાને મહિલાઓને ‘ ખટા ખટ ‘ 8500 રૂપિયા દેવાના દાવાનો મોદીએ ઉલ્લેખ કર્યો હતો તેને ટાંકીને કોંગ્રેસે એ રકમ સતા મળે તો આપવાનું વચન આપ્યું હતું અને મોદીએ લોકો ગેરમાર્ગે દોરાય તે રીતે એ વાત રજૂ કરી હોવાનું અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે.
એ પત્રમાં કોંગી સાંસદે વડા પ્રધાન અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા કરવામાં આવેલા તથ્યપૂર્ણ રીતે ખોટા, અચોક્કસ અને ભ્રામક નિવેદનોની નોંધ લેવા, જરૂરી કાર્યવાહી શરૂ કરવા અને યોગ્ય પગલાં લેવા લોકસભા અધ્યક્ષને વિનંતી કરી છે.