“દંડ સે ડર નહીં લગતા સાહબ…” રાજકોટમાં સ્કૂટર ચાલકને એક ભૂલ 1000માં પડે છે !! લોકોને ટોઈંગ થયેલું વાહન છોડાવવા જવામાં સમસ્યા
- દંડ સે ડર નહીં લગતા સાહબ…(પણ લોકોને ટોઈંગ થયેલું વાહન છોડાવવા જવામાં થાય છે સમસ્યા)
- ૧૨૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા રાજકોટમાં વાહન ગમે ત્યાંથી ટોઈંગ થાય પણ છોડાવવાનું તો એકમાત્ર શીતલ પાર્કમાંથી જ
- ટુ-વ્હીલરનો ટોઈંગ ચાર્જ રૂા.૭૦૦, ફોર-વ્હીલરનો ૧,૦૦૦ અને વાહન છોડાવવા જવાનું રિક્ષાભાડું’ને લટકામાં મળે છે હેરાનગતિ
- ટ્રાફિક પોલીસે ચાર સેક્ટર પાડ્યા છે, કોઈ પણ સેક્ટરમાંથી વાહન ટોઈંગ થાય એટલે સીધું શીતલ પાર્કમાં જ જમા કરાવાનું
વાહન ટો થાય એટલે મહિલાઓને સૌથી વધુ પડતી સમસ્યા
રાજકોટમાં વસતી-વિસ્તારની સાથે જ હવે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરિણામે રસ્તાઓ સાંકળા પડવા લાગ્યા છે અને લગભગ દરેક વિસ્તાર અત્યારે ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. વળી, લોકો મન પડે ત્યાં પોતાનું વાહન પાર્ક કરવાની `ટેવ’ છોડવાનું નામ લઈ રહ્યા ન હોય પોલીસ દ્વારા હવે દંડરૂપી ધોકો પછાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. નિયમનો ભંગ કરે એટલે દંડની વસૂલાત કરવાની જ હોય પરંતુ ખાસ કરીને ટોઈંગને લઈને પોલીસ દ્વારા જે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેને લઈને લોકો પારાવાર પીડા અનુભવી રહ્યા છે. આમ તો રાજકોટમાં અત્યારે કોઈ સ્કૂટર ચાલક પાર્કિંગ બાબતે એક ભૂલ કરે એટલે તેને એ ભૂલ સીધી ૭૦૦ રૂપિયામાં પડે છે પરંતુ આ જ સ્કૂટર ચાલક સાથે સાથે એમ પણ કહી રહ્યો છે કે દંડ સે ડર નહીં લગતા સાહબ…પણ લોકોને ટોઈંગ થયેલું વાહન છોડાવવા જવામાં અનહદ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
એક ધારણા પ્રમાણે અત્યારે રાજકોટ ૧૨૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ પ્રમાણે પોલીસ દ્વારા ચાર સેક્ટર પાડવામાં આવ્યા છે જેમાં ત્રણ-ત્રણ પોલીસ મથક વિસ્તાર સમાવિષ્ટ છે. સમસ્યા જ અહીંથી શરૂ થઈ રહી છે. ઉપરોક્ત ચારેય સેક્ટર પૈકી ગમે ત્યાંથી ગેરકાયદે પાર્ક કરેલું વાહન ટોઈંગ થાય એટલે તેને ફરજિયાતપણે એરપોર્ટ રોડ ઉપર આવેલા શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન ઉપર જમા કરાવવાનું થાય છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનું વાહન કોઠારિયા રોડ પરથી ટોઈંગ થાય તો તેણે દંડ ભરીને તે વાહન છોડાવવા માટે છેક એરપોર્ટ રોડ સુધી લાંબું થવું પડી રહ્યું છે. આમ થવાથી પહેલાં તો વાહન ચાલકે એરપોર્ટ રોડ તરફ જતી રિક્ષા શોધવી પડે છે અને રિક્ષા મળી ગયા બાદ ઉંચું ભાડું ચૂકવીને શીતલ પાર્ક સુધી આવવું પડી રહ્યું છે. જો આ ભૂલ સ્કૂટર ચાલકે કરી હોય તો તેણે ૭૦૦ રૂપિયા દંડ ભરવો પડે અને કાર ચાલકે કરી હોય તો તેણે ૧૦૦૦ રૂપિયાના દંડની ભરપાઈ કરવી ફરજિયાત છે સાથે સાથે ટોઈંગ સ્ટેશન સુધી જવા માટે રિક્ષા ભાડું ચૂકવવાનું એ અલગ…!
આ વ્યવસ્થાથી સૌથી વધુ સમસ્યા મહિલાઓને પડી રહી છે કેમ કે કોઈ મહિલા સ્કૂટર ચાલકનું વાહન ટો થાય એટલે તે હાંફળી-ફાંફળી થઈ જાય છે અને પોતાનું સ્કૂટર ક્યાં ગયું હશે તેને લઈને ચિંતીત બની જાય છે.
૧ જાન્યુ.થી ૧૮ સપ્ટેમ્બર સુધી કેટલા દંડની વસૂલાત
પ્રકાર – કેસ – દંડ – ચાર્જ – કુલ દંડ
ટોઈંગ ૭૩૮૯ ૩૬,૯૪,૫૦૦ ૧૩,૩૯,૧૦૦ ૫૦,૩૩,૬૦૦
ક્રેઈન ૫૮૪૫ ૨૯,૨૨,૫૦૦ ૨૧,૨૭,૯૦૦ ૫૦૫૦૪૦૦
ટોઈંગ ઓનલાઈન ૧૯૧૬ ૯,૭૬,૦૦૦ ૩,૪૬,૦૦૦ ૧૩,૨૨,૦૦૦
ક્રેઈન ઓનલાઈન ૧૩,૫૦,૦૦૦ ૧૦,૨૩,૨૦૦ ૨૩,૭૩,૨૦૦
કુલ૧૭૮૫૦ ૮૯,૪૩,૦૦૦ ૪૮,૩૬,૨૦૦ ૧,૩૭,૭૯,૨૦૦
૨૦૨૩માં કેટલો દંડ વસૂલાયો
પ્રકાર – કેસ – દંડ – ચાર્જ – કુલ દંડ
ટોઈંગ ૧૯૮૯૩ ૯૯,૪૬,૫૦૦ ૩૫,૦૬,૯૦૦ ૧,૩૪,૫૩,૪૦૦
ક્રેઈન ૧૪૦૩૨ ૭૦,૧૬,૦૦૦ ૪૧,૨૦,૮૦૦ ૧,૨૨,૩૬,૮૦૦
ટોઈંગ ઓનલાઈન ૫૩૨ ૨,૬૬,૦૦૦ ૮૧૮૦૦ ૩,૪૭,૮૦૦
ક્રેઈન ઓનલાઈન ૧૯૦૫ ૯,૫૨,૫૦૦ ૬,૮૬,૮૦૦ ૧૬,૩૯,૩૦૦
કુલ ૩૬૩૬૨ ૧,૮૧,૮૧,૦૦૦ ૮૩,૯૬,૩૦૦ ૨,૬૫,૭૭,૩૦૦
સરકારે પોલીસને અત્યારે એક જ જગ્યા ફાળવી છે, અન્ય જગ્યા માટે દરખાસ્ત કરશું: ડીસીપી
આ અંગે ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા પોલીસને અત્યારે શીતલ પાર્ક રોડ પર જ ટોઈંગ સ્ટેશન સંચાલિત કરવા માટે જગ્યા ફાળવેલી છે. જો કે શહેરની વસતી અને વિસ્તાર વધી રહ્યા હોય આ સમસ્યામાંથી લોકોને છૂટકારો મળી રહે તે માટે પોલીસ દ્વારા અન્ય જગ્યા ફાળવવા માટે દરખાસ્ત કરી શકાય તેમ હોવાથી આ અંગે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી આ અંગેની ફરિયાદો મળી રહી હોવાથી તંત્ર આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારણા કરશે.
ટોઈંગ થયેલું વાહન પોલીસ સ્ટેશનમાંથી છૂટે તો પણ મળે ઘણી `રાહત’
પ્રબુદ્ધ નાગરિકો દ્વારા એવું સુચન પણ કરવામાં આવ્યું છે કે જે વિસ્તારમાંથી વાહન ટોઈંગ થાય છે તે વિસ્તારના પોલીસ મથકમાંથી જ વાહન દંડ ભરપાઈ કરીને છોડવામાં આવે તો પણ ઘણી રાહત મળે તેમ છે. આમ થાય તો લોકોને છેક શીતલ પાર્ક સુધી લાંબું થવાની ફરજ ન પડે. આ ઉપરાંત અન્ય વૈકલ્પીક જગ્યા પણ ફાળવવામાં આવે તો લોકોને ફોગટફેરા બચી શકે. નિયમભંગ થાય એટલે દંડ થવો જ જોઈએ તેમાં કોઈ ઈનકાર ન કરી શકે પરંતુ હેરાનગતિ થાય તે બિલકુલ વ્યાજબી નથી.