ચક્રવાત રેમલ: બંગાળમાં ભારે વરસાદ, દરિયો ગાંડોતૂર
રવિવારે ચક્રવાત ભીષણ તોફાનમાં તબદીલ થયા બાદ 400 ફ્લાઇટ અને અનેક ટ્રેનો રદ, દરિયામાં ઊંચા મોજા: એનડીઆરએફ અને નૌસેના તૈનાત : 120 કિમીની ઝડપે આંધી, ત્રિપુરા, ઓડિશા,બંગાળને અસર
બંગાળની ખાડીમાં બનેલ ડીપ ડિપ્રેશન રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં તબદીલ થઈ ગયું હતું. રેમલ નામનું આ તોફાન રૌદ્ર સ્વરૂપ સાથે આગળ વધી રહ્યું છે અને તેની અસર રવિવારે બપોરથી જ શરૂ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ અને બંગાળના તટ વચ્ચે ટકરાતાં પહેલા આ ગંભીર ચક્રવાતમાં બદલાયેલ તોફાનને પગલે બંગાળ સજ્જ થઈ ગયું હતું.
તોફાનની અસરના રૂપમાં રવિવારે બપોરથી કોલકત્તા સહિતના શહેરોમાં અને અન્ય વિસ્તારો તથા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. દરિયામાં ઊંચી લહેરો ઊઠવાની શરૂઆત થઈ ગઈ હતી. ભારે પવન પણ શરૂ થઈ ગયો હતો. લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના અપાઈ હતી. અનેક જિલ્લામાં ભારે વરસાદ શરૂ થતાં લોકો ઘરોમાં પુરાઈ ગયા હતા.
120 થી 135 કિમીની ઝડપે આંધી
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તોફાનને પગલે બંગાળ, ત્રિપુરા અને ઓડિશાને નુકસાની થવાનો ભય છે. માછીમારો તો છેલ્લા બે દિવસથી જ દરિયાથી દૂર થઈ ગયા હતા. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. આગગહી મુજબ તોફાનને પગલે 120 થી 135 કિમી ઝડપે આંધી ફૂંકાશે.
આગમચેતીના પગલાંરૂપે 400 ફ્લાઇટ રવિવારે રદ કરી દેવાઈ હતી અને અનેક રૂટની ટ્રેનો પણ રદ કરી દેવાઈ હતી. આગાહી પ્રમાણે તોફાન પસાર થશે ત્યારે દરિયામાં 1.5 મીટર ઊંચા મોજા ઊછળી શકે છે. અતિ ભારે વરસાદ પડશે.
એનડીઆરએફની 12 ટીમો સક્રિય
દરમિયાનમાં તોફાનને પગલે લોકોને બચાવવા અને અન્ય મુશ્કેલી સામે લડવા માટે એનડીઆરએફની 12 ટીમો તૈનાત કરી દેવાઈ હતી. એ જ રીતે નૌસેના પણ તૈયાર છે. સેનાના જવાનોએ રેસ્કયુની તૈયારી કરી લીધી હતી. રાજ્ય સરકારે તમામ વિભાગોને એલર્ટ રહેવાની સૂચના આપી હતી.