બકરી ઈદ પર જાહેરમાં જાનવરની કુરબાની આપનાર સામે નોંધાશે ગુનો : રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
- પશુને શણગારીને જાહેરમાં ફેરવી નહીં શકાય
- કુરબાની બાદ અવશેષો જાહેરમાં ફેંકવાની મનાઈ
- પોલીસ કમિશનરનું જાહેરનામું
આગામી તા.7 જૂને રાજકોટ સહિત સમગ્ર દેશમાં બકરી ઈદ (ઈદ-ઉલ-અઝા)ના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ પર્વમાં કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યા પ્રમાણે જાહેરમાં જાનવરની કુરબાની આપનાર સામે ગુનો નોંધવામાં આવશે.
જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરી-મહોલ્લા સહિતની જગ્યાએ લોકોને દેખાય તે રીતે પશુની કતલ કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈ પણ પ્રાણીને શણગારીને બહાર ફેરવી શકાશે નહીં. તહેવાર પર કુરબાની બાદ જાનવરનું માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું પાંચ જૂનથી આઠ જૂન સુધી અમલી રહેશે.
