રાજકોટ બસકાંડમાં એજન્સી- RMCના ‘જવાબદાર’ સામે ગુનો નોંધાશેઃ DCPનું નિવેદન
- લાયસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હોવા છતાં ડ્રાયવરને બસ ચલાવવા આપી તે બદલ સૌથી પહેલી જવાબદારી એજન્સીના સુપરવાયઝરની ફિક્સ થાય છે
- પોલીસે લાયસન્સ ચેક કરવાની જવાબદારી કોની છે, મહાપાલિકા-એજન્સી, એજન્સી-ડ્રાયવર વચ્ચે શું શું કરાર થયા છે તેની પોથી મંગાવી
- અગ્નિકાંડની જેમ જ બસકાંડમાં પણ મહાપાલિકાના અધિકારીઓ ઝપટે ચડી જવાના ભણકારા
ઈન્દીરા સર્કલ પાસે બુધવારે સવારે 9ઃ51 વાગ્યે મહાપાલિકાની સિટી બસે ચાર સેક્નડની અંદર જ ચાર લોકોને કચડીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ લોકોએ બસચાલકને બેફામ માર મારતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ડ્રાયવર ભાનમાં આવી ગયા બાદ હવે સ્વસ્થ થયે રજા આપવામાં આવશે જે પછી પોલીસ તેની ધરપકડ કરશે. બીજી બાજુ પોલીસ તપાસમાં એવી વિગત પણ સામે આવી હતી કે બસના ચાલક શિશુપાલસિંહ રાણાનું ડ્રાઈવિંગ લાયસન્સ ફેબ્રુઆરીમાં જ એક્સપાયર્ડ થઈ ગયું હોવા છતાં તેને બસ ચલાવવા દેવામાં આવતાં હવે આ કાંડમાં કોન્ટ્રાક્ટર એજન્સી પીએસઆઈ અને મહાપાલિકાના `જવાબદાર’ સામે ગુનો નોંધવાની તજવીજ ચાલી રહ્યાનું ડીસીપી જગદીશ બાંગરવાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ડીસીપીએ જણાવ્યું કે લાયસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હોવા છતાં ડ્રાયવર શિશુપાલસિંહ રાણા બે મહિનાથી બસ ચલાવતો હોવાનું ધ્યાન પર હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરવા બદલ સૌથી પહેલી જવાબદારી એજન્સીના સુપરવાયઝર કે જેના ઉપર ડ્રાયવર-કંડક્ટરના દસ્તાવેજી પૂરાવા રાખવાનું કામ રહેલું છે તેની ફિક્સ થાય છે. આ ઉપરાંત મહાપાલિકાના જવાબદાર અધિકારી કે જેમણે ડ્રાયવર-કંડક્ટર નિયમ પ્રમાણે જ નોકરી કરી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને ડ્રાયવરના લાયસન્સ નિયમાનુસાર રિન્યુ થઈ રહ્યા છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું હોય છે ત્યારે આ મામલે મહાપાલિકાના અધિકારીની બેદરકારી પણ બની રહી છે.
જો કે અત્યારે પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સી અને મહાપાલિકા વચ્ચે શું શું કરાર કરવામાં આવ્યા છે, આ ઉપરાંત એજન્સી અને ડ્રાયવર વચ્ચે શું કરાર થયો છે તે સહિતની વિગતો જાણી ગુનો નોંધવા માટે કોન્ટ્રાક્ટની ફાઈલ મંગાવવામાં આવી છે જેનો અભ્યાસ તાકિદે પૂર્ણ કરી સંભવતઃ એકાદ-બે દિવસમાં જ ગુનો નોંધવામાં આવશે.
મહાપાલિકા સાથે દરેક પ્રકારનું સંકલન પૂર્વ કર્મચારી જસ્મિન રાઠોડ કરે છે
એવી વિગત પણ સામે આવી છે કે ડ્રાયવર-કંડક્ટરના ફિટનેસ સર્ટિફિકેટ, લાયસન્સ સહિતની વિગતો માટે કોન્ટ્રાક્ટર એજન્સી પીએમઆઈ વતી અત્યાર સુધી મહાપાલિકા સાથે દરેક પ્રકારનું સંકલન શર્મા નામના એક અધિકારી કરી રહ્યા હતા પરંતુ તેમણે રાજીનામું આપી દેતાં દિલ્હી બેસતાં પીએમઆઈ એજન્સીના અધિકારી તેમજ મહાપાલિકાના પૂર્વ કર્મચારી જસ્મિન રાઠોડે બાગડોર સંભાળી હતી અને તેઓ જ મહાપાલિકા સાથે તમામ પ્રકારનો પત્રવ્યવહાર કરતા હતા. આ રીતે જોવા જઈએ તો જસ્મિન રાઠોડની બેદરકારી પણ સામે આવી રહી છે કેમ કે સુપરવાયઝરની ઉપર તેમનું મોનિટરિંગ રહે છે ત્યારે શા માટે તેમણે અકસ્માત કરનાર શિશુપાલસિંહ રાણાના લાયસન્સ અંગેની જાણકારી ન મેળવી ?