વર્ષ 2026માં ક્રિકેટ, ફૂટબોલ, ચેસ, હૉકીના વર્લ્ડકપ રમાશે: એક બાદ એક મેજર ટૂર્નામેન્ટ આ વર્ષે યોજાશે,વાંચો સ્પોર્ટસ કેલેન્ડર
ભારતીય રમતજગત માટે વર્ષ 2026 રોમાંચક સાથે સાથે પડકારજનક પણ બની રહેવાનું છે. માત્ર ક્રિકેટ જ નહીં બલ્કે અન્ય રમતોમાં પણ ટ્રોફી દાવ ઉપર હશે. ઓલિમ્પિક ક્વોલિફિકેશનની નવી સીઝન શરૂ થશે જેના કારણે લૉસ એન્જલસ ઓલિમ્પિક-2028ની ટિકિટ મેળવવાની તક રહેશે. ભારતના નવા અને જૂના ખેલાડીઓ આ વર્ષે સજ્જ થઈ ગયા છે ત્યારે આખું વર્ષ કઈ કઈ રમત મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે તે અત્રે પ્રસ્તુત છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ
વર્ષના પ્રથમ ત્રણ મહિના ક્રિકેટને સમર્પિત રહેશે કેમ કે દેશ જેને સૌથી વધુ પસંદ કરે છે તે ક્રિકેટમાં આ વર્ષે ત્રણ વર્લ્ડકપ રમાવાના છે. 15 જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી સુધી ઝીમ્બાબ્વે અને નામીબિયામાં 50 ઓવરનો અન્ડર-19 વર્લ્ડકપ રમાશે જેમાં વૈભવ સૂર્યવંશી સહિતના ભારતના ઉભરતાં ક્રિકેટરો રમતાં જોવા મળશે. આ ટૂર્નામેન્ટના ફાઈનલના એક દિવસ બાદ સીનિયર પુરુષ ક્રિકેટ ટીમ ભારત અને શ્રીલંકાની યજમાનીમાં સાત ફેબ્રુઆરીથી આઠ માર્ચ સુધી રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ઉતરશે. જ્યારે ઑસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 12 જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી વચ્ચે આયોજિત થશે. બેડમિન્ટન ઑલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ ત્રણ માર્ચથી શરૂ થો જેમાં પી.વી.સિંધુ સહિતના ભારતીય ખેલાડીઓ રમશે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયામાં શરૂ થઈ રહેલા એએફસી મહિલા એશિયન કપમાં લાંબા સમય બાદ ભારતીય ટીમ રમવા માટે ઉતરશે.
આ પણ વાંચો :રાજકોટમાં મિલકત ખરીદ,વેચાણ દસ્તાવેજોમાં સરકારને ડિસે.માં રુ.80.19 કરોડની આવક: કમુહૂર્તાને લઇને દસ્તાવેજ વધ્યા
એપ્રિલ-મે-જૂન
માર્ચના અંતથી એપ્રિલ સુધી સાઈપ્રસમાં ચેસ ટૂર્નામેન્ટ રમાશે જેના થકી વિશ્વ ચેમ્પિયનશિપ ટ્રોફીના ચેલેન્જરનું નામ નક્કી થઈ જશે. અત્યારે ભારતનો ડી.ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન છે. આ ઉપરાંત મંગોલિયામાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ રમાશે. બન્ને ટૂર્નામેન્ટ 28 માર્ચથી શરૂ થશે જેમાં ઓપન વર્ગમાં ભારતનો આર.પ્રજ્ઞાનાનંદા અને વિમેન્સ કેટેગરીમાં આર.વૈશાલી, કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ ભાગ લેશે. ચેસ ટૂર્નામેન્ટ 16 એપ્રિલ સુધી ચાલશે અને બોક્સિંગ ટૂર્નામેન્ટ 11 એપ્રિલે પૂર્ણ થશે. એશિયન વેઈટલેફ્ટિંગ ચેમ્પિયનશિપ 1થી 10 એપ્રિલ સુધી અમદાવાદમાં રમાશે. આ પછી 24 એપ્રિલથી 3 મે સુધી થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન રમાશે તેના થોડા જ દિવસ પછી આઈટીટીએફ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ફાઈનલ લંડનમાં 28 એપ્રિલથી 10 મે સુધી ચાલશે જેના માટે ભારતીય મહિલા અને પુરુષ ટીમે ક્વોલિફાય કર્યું છે. જૂનમાં મહિલા ટક્ષ-20 વર્લ્ડકપ રમાશે જેમાં હરમનપ્રીત કૌરની ટીમ 2025માં વન-ડે વર્લ્ડકપની સફળતા દોહરાવવા ઉતરશે. એથ્લેટીક્સ સત્રની સીઝન મેમાં ડાયમંડ લીગથી થશે જેમાં ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા ઉપર સૌની નજર રહેશે. મેમાં ફ્રેન્ચ ઓપન અને જૂનમાં વિમ્બલ્ડન રમાશે. ત્યારબાદ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં સંયુક્ત રીતે ફીફા વર્લ્ડકપ ફૂટબોલનું આયોજન થશે.
જૂલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર
કોમનવેલ્થ ગેમ્સ 23 જૂલાઈથી બે ઓગસ્ટ સુધી ગ્લાસ્ગોમાં આયોજિત થશે જેમાં ભારતનું પ્રતિનિધિત્વ મુખ્યત્વે એથ્લેટિક્સ, બોક્સિંગ અને વેઈટલિફ્ટિંગમાં જોવા મળશે. શૂટિંગ, કુશ્તી અને હૉકી જેવી રમતો બજેટમાં કાપ મુકાવાને કારણે આ ટૂર્નામેન્ટમાંથી દૂર કરવામાં આવી છે. આ રમત બાદ દિલ્હીમાં 17 ઓગસ્ટથી વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ રમાશે. નેધરલેન્ડ અને બેલ્જિયમમાં 14 ઓગસ્ટથી હૉકી વર્લ્ડકપ શરૂ થશે. ભારતીય પુરુષ ટીમે એશિયા કપ જીતીને વર્લ્ડકપનું ટિકિટ મેળવી લીધી છે જ્યારે મહિલા ટીમ માર્ચમાં હૈદરાબાદમાં ક્વોલિફાયર રમશે. આ દરમિયાન ભુવનેશ્વરમાં 22 ઓગસ્ટથી વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટ રમાશે. જાપાનના નાગોયામાં 19 સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સનું આયાજેન થશે જેમાં હૉકીમાં ગોલ્ડ જીતનારી ટીમ લૉસ એન્જલસ ઓલિમ્પક-2028ની ટિકિટ મેળવશે તો શૂટિંગમાં પણ ક્વોટા સ્થાન હશે. એથ્લેટિક્સમાં ડાયમંડ લીગ ફાઈનલ ચારથી પાંચ સપ્ટેમ્બર સુધી બ્રસેલ્સમાં રમાશે. ચેસ ઓલિમ્પિયાડની 46મી સીઝન સપ્ટેમ્બરમાં તાશ્કંદમાં રમાશે.
ઑક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર
બહરીનમાં 24 ઑક્ટોબરથી વર્લ્ડ કુશ્તી ચેમ્પિયનશિપ રમાશે ત્યારબાદ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 27 ઑક્ટોબરથી આઠ નવેમ્બર સુધી રમાશે. એક નવેમ્બરથી દોહામાં આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાશે. ડિસેમ્બરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ રમાશે જેની તારીખ અને સ્થળ ટૂંક સમયમાં જાહેર કરાશે.
