રાજકોટમાં ફરી જામશે ક્રિકેટ ફીવર : ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મેચની ટિકિટનું આ તારીખથી થશે વેચાણ,ભાવ સાંભળીને હોશ ઊડી જશે
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર 14 જાન્યુઆરીને મકરસંક્રાંતિના દિવસે જ ભારત-ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે આંતરરાષ્ટ્રીય વન-ડે મુકાબલામાં બેટ-બોલનો `પેચ’ જામવાનો છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા મંગળવારથી આ મેચ માટેની ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવનાર હોવાનું અને તેનો ભાવ 1500થી 7000 રૂપિયા સુધીનો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીએ વડોદરામાં શ્રેણીનો પ્રથમ વન-ડે મુકાબલો રમાશે. આ મેચ રમી 12 જાન્યુઆરીએ બન્ને ટીમ રાજકોટ આવી પહોંચશે. ટિકિટની વાત કરવામાં આવે તો પાછલી મેચની જેમ જ ટિકિટનો દર 1500થી 7000 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે અને તેનું વેચાણ 6 જાન્યુઆરીને મંગળવારથી બૂકમાય શો ઉપર થઈ શકશે.
એક બાજુ મકરસંક્રાંતિનો તહેવાર અને બીજી બાજુ રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર થવાની હોવાથી આ દિવસ પતંગ-ક્રિકેટ એમ બન્નેનો તહેવાર બની રહેશે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માની પણ રાજકોટમાં સંભવતઃ છેલ્લી વન-ડે મેચ હોવાનું લાગી રહ્યું છે કેમ કે બન્ને હવે માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમી રહ્યા છે.
રાજકોટમાં બે વર્ષ પહેલાં એટલે કે 27 સપ્ટેમ્બરે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. જ્યારે ન્યુઝીલેન્ડ સામે રાજકોટમાં ભારતની ટક્કર છેલ્લે 1999માં થઈ હતી.
આ પણ વાંચો :બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાન IPL 2026માં નહીં રમે: વિરોધને પગલે BCCIએ KKRને રિલીઝ કરવા આપ્યો નિર્દેશ
વડોદરા વન-ડે મેચની ટિકિટ આઠ મિનિટમાં જ વેચાઈ ગઈ
11 જાન્યુઆરીએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વડોદરામાં પહેલી વન-ડે મેચ રમાવાની છે ત્યારે આ મેચની ઓનલાઈન ટિકિટ માત્ર આઠ મિનિટમાં જ વેચાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માને મેદાન ઉપર જોવા માટે હજુ પણ ક્રિકેટરસિકો એટલા જ તલપાપડ છે. જો કે એવી વિગત પણ બહાર આવી હતી કે અમુક ક્વોટાની જ ટિકિટ ઓનલાઈન વેચવામાં આવી હતી. જ્યારે બીજો ક્વોટા તેમજ ઓફલાઈન ટિકિટનું વેચાણ પણ હજુ કરાશે.
