‘વોઈસ ઓફ ડે’ના આંગણે ક્રિકેટરસિકોનો જમાવડો : ઈન્ડિયા-પાકિસ્તાનના મેચની એક-એક ક્ષણ મન ભરીને માણી
ભારત-પાકિસ્તાનનો મુકાબલો હોય અને તેમાં ક્રિકેટરસિકો ટી.વી.સ્ક્રીન સામે ન ગોઠવાય તેવું બની શકે ખરું ? બિલકુલ નહીં…ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલા વન-ડે મુકાબલાને `વોઈસ ઓફ ડે’ના આંગણે ક્રિકેટ રસિકોએ મન ભરીને માણ્યો હતો.

`વોઈસ ઓફ ડે’ દ્વારા ટોસ થયો ત્યારથી લઈ ટીમ ઈન્ડિયાનો દુબઈના ગ્રાઉન્ડ પર ત્રિરંગો લહેરાયો ત્યાં સુધીની દરેક ક્ષણ વિશાળ ટીવી સ્ક્રીન ઉપર પ્રસારિત કર્યા બાદ ક્રિકેટરસિકો માટે આનંદોત્સવ આવી ગયો હતો. વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકારી ભારતને વિજયી બનાવ્યા બાદ સૌ ક્રિકેટરસિકો ઝૂમી ઉઠ્યા હતા. આ ઉપરાંત રાજકોટમાં ઠેર-ઠેર આ જીતને આતશબાજી સહિતથી ઉજવવામાં આવી હતી.
વિરાટ જીત…: જ્યારે શ્રેયસ અય્યરે ૬૩ બોલમાં ફિફટી પૂરી કરી હતી. શ્રેયસ બાદ હાર્દિક પંડ્યા આઠ રન બનાવીને આઉટ થયો હતો. જો કે ત્યાં સુધીમાં ભારત જીતની નજીક પહોંચી ગયું હતું. છેલ્લે અક્ષર-વિરાટે મળીને ભારતને જીત અપાવી દીધી હતી. આ મેચમાં પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં ૪૯.૪ ઓવરમાં ૨૪૧ રન બનાવ્યા હતા જેમાં સઉદ શકીલના ૬૨ રન મુખ્ય હતા. તેના ઉપરાંત રિઝવાને ધીમી ગતિએ ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ભારત વતી કુલદીપ યાદવે ત્રણ, હાર્દિક પંડ્યાએ બે વિકેટ ખેડવી હતી.

કોહલીની પાકિસ્તાન સામે ત્રણ ટુર્નામેન્ટમાં સદી
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વન-ડેમાં 51મી સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 82મી સેન્ચુરી પૂરી કરી છે. ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પહેલી સદી છે. ત્યારે હવે તેના નામે પાકિસ્તાન સામે ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં સેન્ચુરી ફટકારી છે.
