રાજકોટમાં 15 મિનિટમાં જ 16 કિલો ચાંદીની ચોરી કરનાર ‘કારીગર’ પકડાયો: મોટાપાયે ચાંદીની અવર-જવર થતી હોવાથી લાલચ જાગી
ગત તા.17 ડિસેમ્બરે રાજકોટના મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં આવેલી શાંતિકુંજ સોસાયટીના મકાન નં.23માં ત્રીજા માળે ચાલી રહેલુ ચાંદીના કડા સહિતના ઘરેણાના કારખાનામાં દોઢ મહિના પહેલાં જ નોકરીએ રાખેલા કારીગરે પંદર મિનિટમાં જ 16 કિલો ચાંદીની ચોરીનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી હતી. આખરે ઝોન-1 LCBની ટીમે આ ચોરીને અંજામ આપનાર શખસને દબોચી લઈ 15.47 લાખની કિંમતનુ 15 કિલો ચાંદી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ચોરીને વિજય નટુભાઈ નાગાણી (રહે.મોરબી રોડ)એ અંજામ આપ્યાની ફરિયાદ નોંધાતાં જ તેની શોધખોળ શરૂ કરાઈ હતી. ઝોન-1 LCB પીએસઆઈ એમ.કે.મોવલિયા, એએસઆઈ મનરૂપગીરી ગોસ્વામી, હરેશ પરમાર, જગદીશસિંહ પરમાર સહિતની ટીમે વિજયને ભગવતીપરા પાસે રેલવેના પુલ નીચેથી પકડી પાડ્યો હતો.

વિજયની પૂછપરછમાં તેણે કહ્યું કે દરરોજ મોટી સંખ્યામાં ચાંદી આવક-જાવક કરતું હોવાથી તેને લાલચ જાગી હતી અને ચોરીનો પ્લાન બનાવી લીધો હતો. ચોરીને જ્યારે અંજામ આપ્યો ત્યારે તેણે ત્રીજા માળે કારખામાંથી ચાંદીનું પોટલુ બનાવી બાજુમાં જ આવેલા સાર્વજનિક પ્લોટમાં ફેંકી દીધું હતું. ત્યારબાદ તે નીચે ઉતરી રહ્યો હતો ત્યારે પહેલાં શેઠાણી મળ્યા અને પછી શેઠ રાહુલ સાવંત મળતાં બન્નેને હું હમણા આવું છું તેમ કહી નીકળી ગયો હતો. તેણે આ સઘળી કળા 15 મિનિટમાં જ કરી હતી.

અહીંથી બાઈક લઈને તે ચોટીલા પાસે પોતાની વાડીએ પહોંચ્યો હતો અને ત્યાં ખાડો ખોદી ચાંદીનો જથ્થો તેમાં દાટી દઈ ફરી રાજકોટ આવી ગયો હતો. બે-ત્રણ દિવસ પછી વાડીએ જઈ 16 કિલો ચાંદીમાંથી પાંચ કિલો ચાંદી ઓગાળી નાખી તેનો ઢાળ બનાવી વેચવા નીકળતાં જ પકડાઈ ગયો હતો.

વિજયને હતો નાસતા-ફરતા આરોપીઓની યાદીમાં સામેલ થવાનો અભરખો !
પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે ચાંદી ચોર્યા બાદ વિજય તેને તાત્કાલિક વેચવા માટે નીકળવાનો ન્હોતો અને પોલીસ કઈ કઈ દિશામાં તપાસ કરે છે તેના ઉપર નજર રાખી રહ્યો હતો. એકંદરે તેને પકડાઈ જવાનો ડર ન્હોતો પરંતુ ચોરાઉ ચાંદી પરત ન આપવું પડે તેના માટે શું કરવું તેની ચિંતા હતી. વિજયે એવો પ્લાન બનાવ્યો હતો કે થોડા દિવસ સુધી પોલીસના હાથે નહીં ચડું તો મને નાસતા-ફરતા આરોપીઓની યાદીમાં સામેલ કરી દેશે. આ પછી ભલે પકડાઈ જાવ પરંતુ મુદ્દામાલ પરત કરવામાંથી છૂટકારો મળી જશે ! વિજયે ચાર વર્ષ પહેલા માલવિયાનગર વિસ્તારમાંથી પણ એક કિલો સોનુ ચોર્યું હતું.
