યુપીના ભાજપના ધારાસભ્ય સામે ગેંગ રેપનો કેસ નોંધવા અદાલતનો આદેશ
ઉત્તર પ્રદેશની બીલસી બેઠકના ભાજપના ધારાસભ્ય હરીશ શાક્ય, તેના ભાઈ અને ભત્રીજા સહિત 16 લોકો સામે સામૂહિક બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધવા બદાયૂંની સ્પેશિયલ એમપી – એમએલએ કોર્ટે આદેશ કર્યો હતો.
આ ઘટનાના ફરિયાદીના જણાવ્યા અનુસાર તેણે બુધાબાઈ નામના ગામમાં ઘણા વર્ષો પહેલા એક જમીન ખરીદી હતી. તે જમીન ઉપર ધારાસભ્યની નજર હતી. ધારાસભ્યએ 16.5 કરોડ રૂપિયામાં એ જમીન ખરીદવાનો સોદો કર્યો હતો. તે પૈકીની 40 ટકા રકમ એડવાન્સ તરીકે અને બાકીની રકમ દસ્તાવેજ સમયે ચૂકવવાની શરત થઈ હતી. ધારાસભ્યએ ટોકન પેટે એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ જોકે બાદમાં ધારાસભ્ય અને તેના ગુંડાઓએ બાકીની રકમ ચૂકવ્યા વગર જ દસ્તાવેજ કરી દેવા દબાણ શરૂ કર્યું હતું. ફરિયાદીએ જો કે ઇનકાર કરી દીધાં બાદ એક દિવસ તેના પિતરાઈ ભાઈને પોલીસ ઉપાડી ગઈ હતી અને તેની ઉપર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો.
ફરિયાદમાં વિશેષમાં જણાવ્યા અનુસાર થોડા દિવસો પછી પોલીસ ફરી એક વખત ફરિયાદી અને તેના પરિવારજનોને ઉપાડી ગઈ હતી અને ત્રણ દિવસ કસ્ટડીમાં રાખી માર માર્યો હતો. બાદમાં ધારાસભ્ય અને તેના માણસો તેમને પોલીસ કસ્ટડીમાંથી છોડાવી ગયા હતા અને ફરિયાદીની પત્ની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે અદાલતમાં દાદ માગવામાં આવ્યા બાદ સ્પેશિયલ એમપી- એમએલએ કોર્ટે દસ દિવસમાં ધારાસભ્ય અને તેના મળતીયાઓ સામે ગુનો નોંધી ન્યાયપૂર્ણ તપાસ કરવા આદેશ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં યોગી શાસનમાં મહિલાઓ મધરાત્રે પણ એકલી નીકળી સકતી હોવાનો અને માફિયાઓને ગુંડાઓ થરથરતા હોવાનો દાવો જોર શોર થી કરવામાં આવે છે ત્યારે ભાજપના જ એક ધારાસભ્ય સામે છેતરપિંડી અને સામુહિક બળાત્કારનો ગુનો નોંધવાનો આદેશ થતાં ભારેચાર જાગી છે.