કોર્પોરેશના સેન્સરને લૂ લાગી ! રાજકોટમાં 47.4 ડિગ્રી તાપમાન નોંધ્યું
શહેરમાં લગાવવામાં આવેલ તમામ 16 સેન્સરના આંકડામાં 42થી 47 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજકોટમાં હિટવેવની વિદાય વચ્ચે મહત્તમ તાપમાનમાં ગુરુવારે ઘટાડો નોંધાયો છે ત્યારે કોર્પોરેશનના વેધર સેન્સરને જાણે લૂ લાગી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ગુરુવારે રાજકોટ મહાનગર પાલિકાના તમામ 16 સેન્ટરમાં મહત્તમ તાપમાન 42થી 45 ડિગ્રી વચ્ચે જોવા મળ્યું હતું જેમાં પ્રદ્યુમન પાર્કના સેન્સરમાં તો રાજકોટનું મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી નોંધાતા સેન્સરની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠી રહ્યા છે.
હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજકોટમાં ગુરુવારે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું જેની સામે મહાનગર પાલિકાના વેધર સેન્સર મુજબ રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 42 ડિગ્રીથી લઈ 47.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ડિલક્સ ચોકમાં 42.9, આરએમસી ઇસ્ટ ઝોનમાં 43.8, કોઠારીયા ચોકડી 44.8, મહિલા કોલેજ 44.4, આરએમસી સેન્ટ્રલ ઝોન 44.2, જડ્ડુસ 42.4, મોરબી રોડ, 43.3, જામટાવર 43.9, રામાપીર ચોકડી 41.4, દેવપરા 43.6, અટિકા 42.8, રેલવે સ્ટેશન 42.6, સોરઠીયા વાડી 42.9, નાના મવા 44.4, ત્રિકોણબાગ 45.2 અને પ્રદ્યુમન પાર્ક ખાતે 47.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હોવાનું આરએમસીની વેબ સાઈટ ઉપર દર્શાવતું હતું. નોંધનીય છે કે, રાજકોટમાં વર્ષ 1907 અને 1977માં 47.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
