Netflixની વેબ સિરીઝ ‘IC 814’માં આતંકવાદીના હિન્દુ નામને લઈને વિવાદ : જાણો શું છે હકીકત
Netflixની નવી વેબ સિરીઝ ‘IC 814’ આ દિવસોમાં ચર્ચામાં છે અને વિવાદોમાં છે. નિર્દેશક અનુભવ સિન્હાની આ વેબ સિરીઝને લોકો તરફથી વખાણ મળી રહ્યા છે તો બીજી તરફ શોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અનુભવ સિંહાએ Netflixની વેબ સિરીઝ ‘IC814’નું નિર્દેશન કર્યું છે. જ્યાં વાસ્તવિક ઘટનાઓને અધિકૃત રીતે દર્શાવવા અને આકર્ષક શો આપવા માટે અનુભવની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ, શોને લઈને વિવાદો પણ શરૂ થઈ ગયા છે. હવે આ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflixના કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવ્યા છે.
શું છે સિરિઝને લઈને વિવાદ ??
ડિરેક્ટર અનુભવ સિન્હાનો નેટફ્લિક્સ શો ‘IC 814’ ડિસેમ્બર 1999માં બનેલી એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. નેપાળના કાઠમંડુથી નવી દિલ્હી જઈ રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર IC 814ને આતંકવાદીઓએ હાઈજેક કરી લીધી હતી. આ એરક્રાફ્ટને અલગ-અલગ સ્થળોએ થઈને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યું હતું.
વાટાઘાટોમાં, ભારત સરકારે તેના મુસાફરોના જીવના બદલામાં આતંકવાદીઓની માંગણીઓ સ્વીકારવી પડી. આમાંની એક માંગ ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની હતી – મૌલાના મસૂદ અઝહર, ઓમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ ઝરગર જે તે સમયે ભારતીય જેલમાં હતા. તેમની મુક્તિથી અત્યાર સુધી આ ત્રણેય ભારતમાં બની રહેલી આતંકવાદી ઘટનાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
શો ‘IC 814’ માં, હાઇજેકર્સ સમગ્ર ઘટના દરમિયાન તેમના વાસ્તવિક નામોને બદલે કોડ નામનો ઉપયોગ કરતા જોવા મળે છે. આ નામો છે- બર્ગર, ચીફ, શંકર અને ભોલા. લોકો સોશિયલ મીડિયા પર આરોપ લગાવી રહ્યા છે કે આ આતંકવાદીઓના અસલી નામ છુપાવવાનો પ્રયાસ છે. આને લઈને શો અને ડાયરેક્ટર અનુભવ સિન્હા સામે વિરોધ થઈ રહ્યો છે એટલું જ નહીં, લોકો નેટફ્લિક્સ-બોલીવુડનો બહિષ્કાર કરવાના હેશટેગ સાથે પોસ્ટ પણ કરી રહ્યા છે.
શું છે હકીકતો?
6 જાન્યુઆરી, 2000 ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, અપહરણકર્તાઓના સાચા નામ આ હતા:
- ઇબ્રાહીમ અથર, બહાવલપુર
- શાહિદ અખ્તર સઈદ, ગુલશન ઈકબાલ, કરાચી
- સન્ની અહેમદ કાઝી, ડિફેન્સ એરિયા, કરાચી
- મિસ્ટ ઝહૂર ઈબ્રાહીમ, અખ્તર કોલોની, કરાચી
- શાકીર, સુક્કુર શહેર
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાઇજેક કરાયેલા એરક્રાફ્ટમાં સવાર મુસાફરો માટે, હાઇજેકરોએ પોતાને કોડનામ આપ્યા હતા – ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર. તેઓએ અપહરણ દરમિયાન એકબીજાને બોલાવવા માટે આ નામોનો ઉપયોગ કર્યો હતો.