ચેન્નાઈની સરકારી શાળામાં વિવાદાસ્પદ ‘આદ્યાત્મિક ભાષણ’ ને કારણે વિવાદ !
વક્તા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ: ખુદ મુખ્યમંત્રી સ્ટાલિને પણ પ્રવચનને વખોડી કાઢયું
ચેન્નાઈની એક સરકારી શાળામાં એક મોટીવેશનલ સ્પીકરે મૂળ વિષય ને બદલે પૂર્વજન્મ અને કર્મોના સિદ્ધાંત પર ભાષણ આપતા ભારે વિવાદ થયો હતો.
તેમણે અંધશ્રદ્ધા ફેલાવી હોવાના રોષ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના પર તડાપીટ બોલી હતી.આવી ‘ અવૈજ્ઞાનિક ‘ વાતો કહેવા માટે મંચ આપવા બદલ સરકારી શાળાના સંચાલકો સામે પણ પગલાં લેવાની માગણી ઉઠી છે. મામલો એટલો ગંભીર બન્યો કે ખુદ તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીને પણ આ ભાષણને વખોડીને સરકારી શાળાઓમાં યોજાતા કાર્યક્રમો અંગે નવા દિશાનિર્દેશ આપવાની જાહેરાત કરી હતી.
તામિલનાડુના પરામપોરૂલ ફાઉન્ડેશનના મહાવીષ્ણુ નામના આદ્યાત્મિક વક્તાને ચેન્નાઈની આ સ્કૂલમાં પ્રેરણાત્મક ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે તેમની ગાડી આડે પાટે ચડી ગઈ હતી અને તેઓ પૂર્વજન્મ, કર્મો અને મંત્ર શક્તિ ઉપર બોલવા લાગ્યા હતા. સંચાલકોએ ચાલુ પ્રવચને તેમને ટકોર કરતાં સ્ટેજ ઉપર જ ભારે બોલાચાલી થઈ હતી.બાદમાં મહાવિષ્ણુએ પોતાના ભાષણની વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં આ વિવાદ ઊભો થયો હતો. હજારો લોકોએ તેમના ભાષણને બકવાસ ગણાવી અને આવા કાર્યક્રમ યોજવા બદલ સરકારી શાળાના સંચાલકોની જોરદાર ટીકા કરી હતી. બાદમાં મુખ્યમંત્રી સ્ટાલીને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો વિજ્ઞાનને કેન્દ્રમાં રાખીને જ બનાવવામાં આવ્યા છે. માત્ર વિજ્ઞાન થકી જ વિકાસ થશે તેમ જણાવી તેમણે પણ આ ભાષણને વખોડ્યું હતું.
શું બોલ્યા હતા મહાવિષ્ણુ? કેમ થયો આટલો બધો વિરોધ?
મહાવિષ્ણુએ કહ્યું હતું,” બ્રિટિશરોએ સુનિયોજિત રીતે ગુરુકુળોનો નાશ કર્યો હતો. માત્ર એક મંત્ર વાંચવાથી વરસાદ લાવી શકાય છે,અગ્નિ પ્રગટાવી શકાય છે, બીમારી દૂર કરી શકાય છે, આકાશમાં ઊડી શકાય છે પણ આ બધા મંત્રો વૃક્ષોના પાંદડા પર લખવામાં આવ્યા હતા જેનો બ્રિટિશ શાસન દરમિયાન નાશ કરી દેવાયો હતો.” તેમણે વધુમાં કહ્યું હતું, જો ભગવાન દયાળુ હોય તો બધા મનુષ્યો એક સમાન હોવા જોઈએ. પણ એક વ્યક્તિ શ્રીમંત પરિવારમાં જન્મે છે અને બીજો ગરીબ પરિવારમાં. આવું પૂર્વ જન્મના કર્મોને કારણે બને છે”. વિદ્યાર્થીઓ અત્યારે જે સંઘર્ષ કરે છે તે પૂર્વ જન્મના પાપને કારણે હોવાનું તેમણે જણાવ્યું હતું.
