કોંગ્રેસ ઓબીસીમાં ભાગલાં પડાવવા માગે છે: નરેન્દ્ર મોદી
ઝારખંડના બોકારોમાં નરેન્દ્ર મોદીનું જાહેરસભાને સંબોધન, ચૂંટણીમાં જીતનો કર્યો દાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં એક ચૂંટણી પ્રચાર ભાષણમાં જનસભાને સંબોધિત કરતાં ફરી પાછો એકજૂટ થવાનો નારો લગાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ ચૂંટણી પ્રચાર રેલીના ભાગરૂપે બોકારોમાં જનસભાને સંબોધિત કરી હતી. જેમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘ઓબીસી સમુદાયને 1990માં અનામત મળી હતી. વિવિધ ઓબીસી જાતિઓની સંખ્યાત્મક તાકાત એકજૂટ બની અને ત્યારથી આજ સુધી કોંગ્રેસ લોકસભામાં 250 બેઠકો પણ જીતી શકી નથી. તેથી કોંગ્રેસ ઓબીસીની આ સામૂહિક તાકાતને તોડવા માંગે છે અને આ તાકાતને તોડીને તે ઓબીસીને સેંકડો વિવિધ જાતિઓમાં વહેંચવા માંગે છે. સમાજ વિખેરાઈ જાય, નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય એવું કોઈ ઈચ્છતું નથી. તેથી આપણે આ હંમેશા યાદ રાખવું જોઈએ. જો આપણે સંગઠિત રહીશું તો સુરક્ષિત રહીશું.
10 વર્ષ પહેલાં 2004થી 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, મેડમ સોનિયાજીએ સરકાર ચલાવી અને મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા ત્યારે કેન્દ્ર સરકારે ઝારખંડના હિસ્સામાં 10 વર્ષમાં માંડ રૂ. 80 હજાર કરોડ ફાળવ્યા હતા. 2014 પછી દિલ્હીમાં સરકાર બદલાઈ, તમે તમારા સેવક મોદીને સેવા કરવાની તક આપી અને છેલ્લા 10 વર્ષમાં અમે ઝારખંડના વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ફાળવ્યા છે.
ઝારખંડમાં ભાજપની તરફેણમાં માહોલ છે અને છોટા નાગપુરનું પઠાર પણ આ જ વાત કહી રહ્યું છે ‘રોટી-બેટી-માટી કી પુકાર, ઝારખંડમાં ભાજપ-એનડીએ સરકાર’. ભાજપ-એનડીએનો એક જ મંત્ર છે – અમે ઝારખંડ બનાવ્યું છે, અમે ઝારખંડને સુધારીશું, આવા લોકો ક્યારેય ઝારખંડનો વિકાસ નહીં કરે, જે ઝારખંડ રાજ્યના નિર્માણની વિરુદ્ધમાં છે.’ જેએમએમ પર પ્રહાર કરતાં પીએમએ કહ્યું, ‘ભાજપ ઈચ્છે છે કે ગરીબોને કાયમી ઘર મળે, શહેરો અને ગામડાઓમાં સારા રસ્તાઓ બને, વીજળી અને પાણી, સારવારની સુવિધા, શિક્ષણની સુવિધા, સિંચાઈ માટે પાણી, વૃદ્ધાવસ્થા મળે. પરંતુ જેએમએમ સરકારના છેલ્લા 5 વર્ષોમાં, તમારા અધિકારની આ સુવિધાઓથી દૂર રાખ્યા. તેમના નેતાઓ રેતીની દાણચોરી કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે.