કોંગ્રેસ ઠન ઠન ગોપાલ…: ખડગેએ શું કહ્યું.. વાંચો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્વીકાર્યું છે કે, તેમની પાર્ટી આર્થિક સંકટનો સામનો કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જે બેંક ખાતામાં દાનમાં પૈસા રાખવામાં આવ્યા હતા તે ભાજપ સરકારે ફ્રીઝ કરી દીધા છે. કોંગ્રેસને આવકવેરા વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે દેશમાં બંધારણ અને લોકશાહીને ‘બચાવ’ કરવા અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરવા આગામી લોકસભા ચૂંટણીમાં મજબૂત ઊભા રહેવા લોકોને હાકલ કરી છે.
ખડગેએ કહ્યું કે, આ અમારી પાર્ટીના પૈસા હતા, જે તમે લોકોએ દાનમાં આપ્યા હતા, તેમણે તેને ફ્રીઝ કરી દીધા છે અને અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી. તેમણે એવું પણ કહ્યું કે, ભાજપ ઈલેક્ટોરલ બોન્ડ વિશે ખુલાસો કરતા નથી કારણ કે તેમની ચોરી પ્રકાશમાં આવશે. તેની ગેરરીતિઓ સામે આવશે, તેથી તેણે જુલાઈ સુધીનો સમય માંગ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે છેતરાશો નહીં, તેઓ (ભાજપ) દગાબાજ છે, તેઓ જૂઠું બોલે છે. તેઓ સત્ય છુપાવે છે અને લોકોમાં ખોટી માહિતી ફેલાવે છે. આંબેડકરે કહ્યું હતું કે, લોકોએ એક થઈને બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરવું પડશે. જો બંધારણ, સ્વતંત્રતા અને એકતા નહીં હોય તો આ દેશ ફરી ગુલામ બની જશે અને ફરી ક્યારેય ઊભો રહી શકશે નહીં. તેમણે કહ્યું કે, ભાજપ આ દિવસોમાં બંધારણની વિરુદ્ધ બોલી રહી છે. ખડગેએ કહ્યું, આ તમારા અધિકારનો મામલો છે. તેઓ (ભાજપ) બંધારણ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપનો દાવો છે કે, બંધારણની વિરુદ્ધ બોલનારાઓ સાથે તેને કોઈ લેવાદેવા નથી, પરંતુ તે આવા લોકો સામે કાર્યવાહી કરતી નથી. આ એટલા માટે છે કારણ કે તેઓ આવા નિવેદનો કરનારા લોકોની પાછળ ઉભા છે.