કોંગ્રેસે વડાપ્રધાનનું માથું ગાયબ થયેલું પોસ્ટર શેર કરતા વિવાદ
પહેલગામ હુમલા બાદ મળેલી સર્વોપક્ષીય બેઠકમાં મોદીના હાજર ન રહેવા બદલ કોંગ્રેસે તેમનું માથા વગરનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરતાં ભારે વિવાદ થયો હતો.વળતા પ્રહાર તરીકે ભાજપે કોંગ્રેસ પક્ષને લશ્કર-એ-પાકિસ્તાન કોંગ્રેસ
ગણાવી હતી.
કોંગ્રેસે વાયરલ કરેલા પોસ્ટરમાં જોકે પીએમનું નામ ઉલ્લેખ્યું નહોતું, પરંતુ કેપ્શનમાં “જવાબદારીના સમયે ગાયબ થઈ જાય છે.” તેમ લખ્યું હતું.
આ પોસ્ટરને પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ અહેમદ હુસૈન ચૌધરીએ પણ શેર કર્યું અને લખ્યું હતું, “ગધેડાના માથામાંથી શિંગડાં ગાયબ થયાનું સાંભળ્યું હતું, પરંતુ અહીં તો મોદી ગાયબ થઈ ગયા.”
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસને લશ્કર – એ – પાકિસ્તાન કોંગ્રેસ ગણાવી અને કહ્યું કે કોંગ્રેસે પાકિસ્તાનને મજબૂત સંદેશો આપ્યો છે કે ભારતમાં મીરજાફરના સમર્થકો હજુ પણ હાજર છે. તેમણે કોંગ્રેસ’ સર તન સે જુદા ‘ ની વિચારસરણીને અનુસરતી હોવાની ટીકા કરી હતી.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ ટ્વિટર પર કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે આ મુસ્લિમ મતબેંકને ખુશ કરવાનો હેતુ હતો. તેમણે રાહુલ ગાંધી પર પ્રધાનમંત્રી પ્રત્યે હિંસા ભડકાવવાનો અને તેને ન્યાયી ઠેરવવાનો આરોપ પણ લગાવ્યો.
પોસ્ટર પર વિવાદ ઊભો થયા બાદ, કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ANIને જણાવ્યું કે પીએમ મોદી તાજેતરની પહલગામ આતંકવાદી હુમલા પરની સર્વપક્ષીય બેઠકમાં હાજર નહોતા. હુમલા પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરતાં તેમણે કહ્યું કે પીએમ મોદીએ સંસદમાં ચર્ચામાં ભાગ લઈને આ ઘટના વિશે માહિતી આપવી જોઈએ.