કોંગ્રેસના નેતા શિવકુમારને સુપ્રીમ કોર્ટથી મળી રાહત
2018માં થયેલ મની લોન્ડરિંગ કેસ અદાલતે રદ્દ કરી દીધો
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. અદાલતે કુમારની વિરુદ્ધ 2018ના મની લોન્ડરિંગ કેસને જ રદ્દ કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, પીએમએલએ હેઠળ શરૂ થયેલ કાર્યવાહી રદ્દ કરવામાં આવે છે.
2017માં દિલ્હીમાં શિવકુમારના કેટલાક ફ્લેટમાં તપાસ દરમિયાન બેહીસાબ રોકડ રકમ મળી હતી. આ કેસ સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હતો. નાણાંકીય હેરાફેરીના એક કેસમાં શિવકુમારને જારી થયેલા ઇડીના સમન્સને રદ્દ કરવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો અને તેની વિરુદ્ધ શિવકુમાર સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
ડી કે શિવકુમાર કોંગ્રેસના સંકટ મોચક તરીકે જાણીતા છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર સામે સર્જાયેલા સંકટને પગલે હાઇકમાન્ડે ડેમેજ કંટ્રોલ માટે શિવકુમારને દોડાવ્યા હતા અને એમણે અસંતોષની આગ થોડા સમય માટે ઠારી દીધી હતી. હવે તેમને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી ગઈ છે.