RMCમાં ડેપ્યુટી કમિશનર બનવા 7 અધિકારી વચ્ચે હરિફાઈ : સિલેક્શન કમિટી નામ પસંદ કરે એટલે શાસકો લગાવશે મંજૂરીની મ્હોર
રાજ્કોટ મહાપાલિકામાં ટૂંક સમયમાં જ વર્ગ-1ની જમ્બો ભરતી થવા જઈ રહી હોય તેવી રીતે ત્રણ ઝોનલ ટાઉન પ્લાનિંગ ઓફિસરની નિમણૂક કરી દેવામાં આવ્યા બાદ હવે નાયબ મ્યુનિસિપલ કમિશનરની એક જગ્યા ભરવા માટે પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. એક જ જગ્યા માટે મહાપાલિકાના સાત અધિકારી વચ્ચે હરિફાઈ ચાલી રહી હોય આખરે કોના ઉપર પસંદગીનો કળશ ઢોળાય છે તે જોવું રસપ્રદ બની જશે.
દરમિયાન સોમવારે ઉઘડતી કચેરીએ ડેપ્યુટી કમિશનર માટે સાત અધિકારીઓના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ એ જ અધિકારીઓ છે જેઓ વર્ષોથી તંત્રમાં કાર્યરત છે. આ અધિકારીઓમાં હાલના ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ ઉપરાંત આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, મેયરના પીએ વિપુલ ઘોણિયા તેમજ રાજીવ ગામેતી, મનિષ વોરા, કાશ્મીરાબેન વાઢેર, તત્કાલિન મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલિઆને સમાવેશ થાય છે.
આ પણ વાંચો : સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી: 1,12,000 નજીક,ચાંદીમાં પણ જબરો ઉછાળો
આ ભરતી ઈનહાઉસ મતલબ કે મહાપાલિકામાં ફરજ બજાવતા હોય તેના માટે જ હોવાથી તંત્રના જ અધિકારીઓએ ઈન્ટરવ્યુ આપ્યા હતા. હવે સિલેક્શન કમિટી કે જેના વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે તેઓ નામની પસંદગી કરે એટલે શાસકો દ્વારા મંજૂરીની મ્હોર લગાવવામાં આવશે.
