લોન ન ભરતાં કંપનીએ મોર્ફ કરેલા ન્યુડ ફોટો વાયરલ કર્યાઃ બદનામીના ડરથી યુવકે કર્યો આપઘાત, વાંચો સમગ્ર ઘટના
રાજકોટની માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટી શેરી નં.3માં રહેતા એક આશાસ્પદ યુવકને પૈસાની જરૂર પડતાં તેણે મોબાઈલ એપ્લીકેશન મારફતે લોન લીધી હતી. જો કે લોનના પૈસા ભરપાઈ ન કરતા ત્રણેક જેટલા અજાણ્યા નંબર પરથી મૃતકના મોર્ફ કરેલા ન્યુડ ફોટો વાયરલ કરી દેતાં બદનામીના ડરથી યુવકે આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી હતી.
આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે ગત તા.24 જૂલાઈએ નયન વિનોદભાઈ ભાલારા (ઉ.વ.33)એ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ પછી નયનના પિતાએ તપાસ કરતા તેના પુત્રએ લોન આપનારી કંપની દ્વારા મોર્ફ કરેલા ન્યુડ ફોટો વાયરલ થવાને કારણે ડરથી આ પગલું ભરી લીધું હોવાનું ધ્યાન પર આવતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા નંબરધારક સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના “વાળ ખેંચ” પ્રકરણ મામલે કોન્સ્ટેબેલ પ્રદીપ ડાંગરની અટકાયત
ફરિયાદમાં વિનોદભાઈ ભાલારાએ જણાવ્યું કે તેના પુત્રએ મોબાઈલમાંથી અલગ-અલગ એપ્લીકેશન મારફતે પર્સનલ લોન લીધી હતી. જો કે લોનના પૈસા ન ભરતા આરોપીએ મૃતક નયન ઉપરાંત સંબંધીઓ, મિત્રો સહિતને અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી પજવ્યો હતો સાથે સાથે વૉટસએપમાં મેસેજ કરી નયન તેમજ તેના મિત્ર યશ રાઠોડના મોબાઈલ પર નયનના એડિટિંગ કરેલા ન્યુડ ફોટા મોકલ્યા હતા. આ ઉપરાંત અન્ય પરિજનો તેમજ મિત્રોને પણ આ ફોટો મોકલતા સમાજમાં બદનામીના ડરથી નયને ગળેફાંસો ખાઈ મોત મીઠું કરી લીધું હતું.
