ચીનના પ્રમુખ શી જીન પીંગે તાઇવાનને હડપ કરી જવાની વધુ એક ધમકી આપી
કહ્યું,”બંને દેશના એકીકરણને કોઈ રોકી શકશે નહીં”
ચીનના પ્રમુખ શી જીન પીંગે વધુ એક વખત તાઈવાનને હડપ કરી જવાનો ઇરાદો સ્પષ્ટપણે જાહેર કર્યો હતો.
નવા વર્ષના રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે તાઇવાનને ચીનનો અભિન્ન ભાગ ગણાવી અને ચીન અને તાઇવાનના એકીકરણને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં તેવી ધમકી આપી હતી.
તેમણે કહ્યું કે તાઇવાન સમુદ્રધુનીની બંને તરફના લોકો એક જ પરિવાર છે. કોઈ અમારા એ પારિવારિક બંધનને તોડી શકશે નહીં. તેમણે ચીન અને તાઈવાનનું પુનઃમૂલન અનિવાર્ય હોવાનું જણાવી બંને બાજુના લોકોને ચીની રાષ્ટ્રના કાયાકલ્પમાં ગૌરવભેર ભાગ લેવા
અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે ચીન આજે પણ તાઇવાનને પોતાનો ભાગ ગણાવે છે. બીજી તરફ તાઈવાન સરકારના કહેવા મુજબ માત્ર તહેવારના નાગરિકો જ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે છે અને તેમના નિર્ણયને ચીને માન આપવું જોઈએ.
તાઇવાન મુદ્દે ચીન છેલ્લા ઘણા સમયથી દબાણની રાજનીતિ રમતું આવ્યું છે.ખાસ કરીને ચીને જેને ભાગલાવાદી ગણાવ્યા છે તે તાઇવાની નેતા લાઈ ચિંગ તે પ્રમુખ બન્યા બાદ તાઇવાનની હવાઈ સીમા અને જળ સીમામાં ચીન દ્વારા લડાકુ વિમાનો અને યુદ્ધ જહાજો મોકલવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે.
બીજી તરફ અમેરિકાએ તાઇવાનની સ્વતંત્રતાનું કોઈ પણ ભોગે રક્ષણ કરવાની પ્રતિબધ્ધતા દાખવ્યા બાદ આ મુદ્દો અત્યંત સંવેદનશીલ બની ગયો છે.નોંધનીય છે કે આ અગાઉ પણ ,ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનેબ100 વર્ષ પુરા થયા ત્યારે યોજાયેલા સમારોહમાં શી જીન પીંગે તાઇવાન ઉપર કબજો મેળવવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે ચીનને ડરાવી ધમકાવી શકાતું એ દિવસો પુરા થઈ ગયા છે. કોઈએ એવો પ્રયાસ કરવો પણ નહીં. ચીન કોઈથી ડરતું નથી. અમેરિકા તરફ નિર્દેશ કરતા તેમણે ઉમેર્યું હતું કે ચીનની સામે આંખ ઊંચી કરનારની આંખો ખેંચી લેશું અને ગળું કાપી નાંખશું.
અનોખો વિવાદ: એક સમયે તાઈવાને ચીન પોતાનું હોવાનો દાવો કર્યો હતો
ચીન અને તાઇવાન વચ્ચે એક અનોખો વિવાદ છે.ચીન તાઇવાનને અલગ રાષ્ટ્ર નહીં પણ પોતાનો જ ભાગ ગણે છે.તો તાઇવાન કહેતું હતું કે અમે ચીનનો ભાગ નથી ઉલ્ટાનું આખું ચીન જ અમારું છે.ચીનનું સત્તાવાર નામ પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇના છે.તાઇવાનનુંસત્તાવાર નામ રિપબ્લિક ઓફ ચાઇના છે.17મી સદીમાં અત્યારનું ચીન અને તાઇવાન બંન્ને ચિંગ રાજવંશના શાસન હેઠળ હતા.1895માં જાપાન સામેનું યુદ્ધ હાર્યા બાદ સંધી રૂપે રાજવંશે તાઇવાનની સોંપણી જાપાનને કરી હતી.ત્યારથી તાઇવાન ઉપર જાપાનનો કબજો હતો.
બીજી તરફ ચીનમાં રાજવંશ સામે ચિન્હઈ ક્રાંતિ થઈ જેમાં રાજવંશનું પતન થયું.અને ચીન ઉપર કોમિંગતાંગ એટલે કે નેશનલિસ્ટ પાર્ટીનું રાજ સ્થપાયું.ચીનનું નામ ત્યારે રિપબ્લિક ઓફ ચાઇના હતું.એ દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં પરાજય પામ્યા બાદ જાપાને તાઇવાન પરનો અધિકાર જતો કરવો પડ્યો.એ યુદ્ધમાં જાપાન સામે અમેરિકા અને ચીન એક બનીને લડયા હતા.અમેરિકાના કહેવાથી એ સમયે ચીનનું શાસન કરતા કોમિંગતાંગ પાર્ટીના વડા ચીયાંગ કાઈ શેક સમક્ષ જાપાનની સેનાએ શરણાગતી સ્વીકારી હતી.દરમિયાન ચીનમાં સિવિલ વોર ફાટી નીકળ્યું.શાસક ચિયાંગ કાઈ શેકની કોમિંગતાંગ પાર્ટીની સેના અને માઓ ઝેડોંગની કમમ્યુનિસ્ટ પાર્ટીની રેડ આર્મી વચ્ચે યુદ્ધ થયું.તેમાં કમ્યુનિસ્ટ પાર્ટીનો વિજય થયો હતો.ચીયાંગ કાઈ શેક પોતાના લાખો સેનિકો અને સમર્થકો સાથે ભાગીને તાઇવાન પહોંચી ગયા હતા અને ત્યાં રિપબ્લિક ઓફ ચાઇના નામે શાસન સ્થાપ્યું હતું.1949માં માઓ ઝેડોંગે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની ઘોષણા કરી હતી.ત્યારથી આ વિવાદ ચાલે છે.
અમેરિકાએ જ તાઇવાનને એકલું અટુલું પાડી દીધું હતું
અમેરિકા અત્યારે તાઇવનના સમર્થનમાં છે પણ આ જ તાઇવનને રાજદ્વારી રીતે વિશ્વથી વિખૂટું પાડી દેવામાં અમેરિકાનો જ હાથ હતો.યુનોની સ્થાપના થઇ ત્યારે રિપબ્લિક ઓફ ચાઇના એટલે કે તાઇવાન તેનું સ્થાપક સભ્ય હતું.યુનોની સ્થાઈ સુરક્ષા પરિષદનું સભ્ય પણ તાઇવાન હતું.ત્યાં સુધી કે ટેકનિકલી તો યુનોમાં ચીનને પણ તાઇવાન જ રિપ્રેઝેન્ટ કરતું હતું.પશ્ચિમના અનેક દેશોએ તાઇવાનને માન્યતા આપી હતી.પણ 1971માં અમેરિકાએ તેને દગો દીધો.ચીનની વસ્તી ત્યારે 60 કરોડની હતી.ટચુકડા તાઇવાનની વસ્તી હતી માત્ર એક કરોડ.ચીનમાં અમેરિકાને મોટું બજાર દેખાતું હતું.પોતાના આર્થિક હિતો સાધવા માટે અમેરિકાએ તાઇવાનને પડતું મૂકી ચીનને માન્યતા આપી દીધી હતી. તાઇવાનનું યુનોનું સભ્યપદ ગયું.ચીન યુ.નો.નું સભ્ય બની ગયું.વિશ્વના દેશોએ તાઇવાન સાથેના રાજદ્વારી સબંધો કાપી નાખતા તાઇવાન એકલું પડી ગયું.આજે પણ માત્ર પંદર જેટલા દેશોને જ તાઇવાન સાથે પૂર્ણ કક્ષાના રાજદ્વારી સબંધો છે.