ચીનની ભારતમાં ઘૂસણખોરી : રાહુલનો આક્ષેપ-સંસદમાં ધમાલ
રાહુલ ગાંધીએ સેનાના પૂર્વ વડા નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા જામી પડી
ગૃહ આખો દિવસ મુલતવી, સરકાર વતી અમિત શાહ, રાજનાથસિંહે
મોરચો સંભાળ્યોઃ રાહુલ ગાંધીએ કહ્યું, રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા જરૂરી
રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચામાં ભાગ લેતી વખતે ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.પૂર્વ આર્મી ચીફ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકનો ઉલ્લેખ કરીને લદ્દાખમાં ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. સરકારે ગૃહમાં જણાવ્યું કે રાહુલના આરોપો પર આધારિત પુસ્તક ક્યારેય પ્રકાશિત થયું નથી. રાહુલે વારંવાર ગૃહમાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્પીકરે નિયમોનો ઉલ્લેખ કરીને તેમને આમ કરવાની મનાઈ ફરમાવી હતી અને બે વાર ગૃહ મુલતવી રહ્યા બાદ પણ હંગામો ચાલુ જ રહેતા આખા દિવસ માટે ગૃહ મુલતવી રાખવાની ફરજ પડી હતી.કિરણ રિજીજુએ એમ કહ્યું હતું કે દેશની સેના પર શંકા કરવા બદલ રાહુલે દેશની માફી માંગવી જોઈએ. રાહુલે એવી દલીલ કરી કે રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા થવી જોઈએ. રાહુલ કોંગે્રસની દેશભક્તિ પર સવાલનો એક પુસ્તકના આધારે જવાબ આપવા માંગતા હતા. શાસક અને વિપક્ષના સભ્યો દ્વારા સતત દેકારો ચાલુ જ રખાયો હતો. રાહુલે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા પર હું ચર્ચા કરવા માંગુ છું. સ્પીકર બિરલાએ એમ કહ્યું હતું કે તમે તેના વિષે ચર્ચા કરી શકો છો પણ કોઈ લેખ કે પુસ્તકના ક્વોટ ગૃહમાં ચાલી શકે નહિ. સીધા આરોપ મૂકી શકાય નહિ. અમિત શાહ, રાજનાથ િંસહ અને કિરણ રિજીજુ પણ રાહુલ વિરુધ્ધ ગૃહમાં સક્રિય થઈ ગયા હતા.
સૌપ્રથમ 3 વાગ્યા સુધી ગૃહ મુલતવી રહ્યું અને ત્યારબાદ બેઠક શરૂ થઈ હતી અને રાહુલે ફરી એ જ વાત ચાલુ રાખતા 4 વાગ્યા સુધી ગૃહ મુલતવી રહ્યું હતું. ત્યારબાદ ફરી બેઠક શરૂ થઈ અને ફરી વાર રાહુલે એ જ મુદ્દો ઉઠાવતા આખા દિવસ માટે ગૃહ મુલતવી રહ્યું હતું.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં રાષ્ટ્રપતિના બજેટ ભાષણ પર નિવેદન આપવાના હતા. પોતાના ભાષણની શરૂઆત કરતા તેમણે કહ્યું કે સરકારમાં રહેલા સાથી પક્ષો દ્વારા કોંગે્રસ પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે, તેથી તેઓ પહેલા તે મુદ્દા પર વાત કરવા માંગે છે. રાહુલે કહ્યું કે તેમની પાસે પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેનું એક સંસ્મરણ છે, જેમાં તેમણે ચીની ઘૂસણખોરી વિશે લખ્યું છે. આ સંસ્મરણના આધારે, રાહુલે 31 ઓગસ્ટ, 2020 ની રાત્રિની ઘટનાઓનું વર્ણન કર્યું અને કહ્યું કે ચીની ઘૂસણખોરી દરમિયાન ચાર ચીની ટેન્ક ભારતીય ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા હતા. તે ફક્ત 100 મીટર દૂર હતા.
પુસ્તક પ્રકાશિત જ થયું નથી, રાહુલ ગેરમાર્ગે દોરે છેઃ રાજનાથસિંહ
રાહુલે આ વાંચતા જ રાજનાથ િંસહ ઉભા થયા અને કહ્યું, “એવા પુસ્તકનો ઉલ્લેખ ન કરો જે પ્રકાશિત પણ ન થયું હોય.” સંરક્ષણ પ્રધાન રાજનાથ િંસહ ઉભા થયા અને રાહુલ ગાંધીના નિવેદન અને પુસ્તકનો વિરોધ કર્યો. રાજનાથ િંસહે કહ્યું કે રાહુલ જે પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે ક્યારેય પ્રકાશિત થયું નથી. તે પુસ્તકમાં શું લખ્યું છે તે કેવી રીતે માની શકાય? રાહુલ ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આરોપ મૂકતાં પહેલા નોટિસ આપવી પડે છેઃ અમિત શાહ
આ હંગામાં વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ પન ઊભા થઈ ગયા હતા અને એમણે રાહલ ગાંધીના આ પ્રયાસની ટીકા કરીને કહ્યું હતું કે ગૃહનો નિયમ એમ કહે છે કે આવી રીતે આરોપ મૂકતાં પહેલા નોટિસ આપવાની હોય છે. રાહુલ જે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાના કોંગી પરના આરોપની વાત કરે છે તે સત્ય નથી. સૂર્યાએ કોંગે્રશની દેશભક્તિ પર સવાલ નથી કર્યા પણ 2024 થી 2014 વચ્ચે શું થયું છે તેની વાત કરી છે.
સ્પીકર ઓમ બિરલા અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર સંવાદ
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે નિયમો અનુસાર, તેઓ આ વિષય પર નિવેદન આપી શકતા નથી. આ હંગામા વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું, નરવણેના પુસ્તકમાં સંરક્ષણ પ્રધાન અને વડા પ્રધાનનો પણ ઉલ્લેખ છે. મારે ગૃહમાં શું બોલવાનું છે તે આપ લખીને આપી દો. આ વાત પર તીખો જવાબ આપતાં સ્પીકર બિરલાએ કહી દીધું કે હું તમારો સલાહકાર નથી. નિયમ મુજબ જ ગૃહમાં ચર્ચા થશે. તમે સુરક્ષા પર બોલી શકો છો પણ કોઈ ક્વોટના આધારે આરોપ મૂકી શકાય નહીં.
