ચીનની મોટી ચાલ : અરુણાચલ પાસે સૌથી મોટા ડેમનું કામ ચાલુ,ભારત માટે આ ડેમ વોટર બોમ્બ સાબિત થઈ શકે છે
ભારતના પાડોશી દેશ ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર દુનિયાના સૌથી મોટા હાઇડ્રોપાવર ડેમનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. 19મી જુલાઈના રોજ ચીનના વડાપ્રધાન લી કિયાંગે આ ડેમનું ભૂમિપૂજન કર્યું હતું. આ ડેમ નિર્માણ ચીનના ન્યિંગચી શહેરમાં થઈ રહ્યું છે અને આ શહેર ભારતના અરુણાચલ પ્રદેશની સરહદને અડીને આવેલું છે. આનો અર્થ એ છે કે ભારત માટે આ ચિંતાનો વિષય છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ ડેમને ભારત માટે વોટર બોમ્બ ગણાવ્યો છે.

અહેવાલો અનુસાર, અંદાજે 2900 કિ.મી. લાંબી બ્રહ્મપુત્ર નદી હિમાલય પાર કરીને 2057 કિ.મી. પશ્ચિમ તરફ વહે છે અને પછી અરુણાચલ પ્રદેશ થઈને ભારતમાં પ્રવેશ કરે છે. ભારત પછી તે બાંગ્લાદેશમાં જાય છે અને પછી બંગાળની ખાડીમાં ભળી જાય છે. પરંતુ ભારતમાં પ્રવેશતા પહેલા આ નદી યુ-ટર્ન લે છે અને આ તે વિસ્તાર છે જ્યાં ચીન સૌથી મોટો હાઇડ્રોપાવર ડેમ બનાવી રહ્યું છે.
ચીનની ન્યૂઝ એજન્સી અનુસાર, ‘આ ડેમના નિર્માણ પછી દર વર્ષે 300 કિલોવોટ/કલાક વીજળી ઉત્પન્ન થશે, જેનો લાભ લગભગ 30 કરોડ લોકોને મળશે. આ ડેમના નિર્માણનો ખર્ચ લગભગ 167 અરબ ડોલર એટલે કે લગભગ 12 લાખ કરોડ રૂપિયા થશે.’
આ પણ વાંચો : ડોકટર-હોસ્પિટલની બેદરકારીથી યુવકનું મોત થતાં ગ્રાહક કોર્ટે ફટકારી નોટિસ : ફરિયાદીએ 98 લાખ રૂપિયાના વળતરની કરી માંગ
કેન્દ્રીય જળ આયોગ અનુસાર, બ્રહ્મપુત્ર નદીમાં 60% પાણી ભારતમાંથી અને 40% તિબેટથી આવે છે. ભારતમાં બ્રહ્મપુત્ર જે વિસ્તારોમાંથી વહે છે તે વરસાદની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. છતાં જો ઉપરના વિસ્તારમાં નદી સૂકી રહે છે, તો નીચલા વિસ્તારમાં તેની ઈકોસિસ્ટમ પ્રભાવિત થશે.