ઝારખંડમાં વિશ્વાસનો મત મેળવતા મુખ્યમંત્રી હેમંત સોરેને
ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેને આજે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવી લીધો હતો. 81 સભ્યોની વિધાનસભામાં કુલ 45 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન, અપક્ષ ધારાસભ્ય સરયુ રાયે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. મત ગણતરી શરૂ થતાં જ ભારતીય જનતા પાર્ટી અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનના ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. ભાજપના નેતૃત્વમાં વિપક્ષ પાસે ભાજપના 24 અને AJSU પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે.
ઝારખંડમાં હાલમાં 81 સભ્યોની વિધાનસભામાં 76 ધારાસભ્યો છે. હેમંત સોરેને 3 જુલાઈના રોજ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જે પછી શાસક જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધને રાજ્યપાલને 44 ધારાસભ્યોની સમર્થન સૂચિ સુપરત કરી હતી. જેએમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને તેમના પુરોગામી ચંપાઈ સોરેન પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી 4 જુલાઈના રોજ રાજ્યના 13મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.