છગન ભૂજબળે રાજકીય બોમ્બ ફોડ્યો, વાંચો શું કહ્યું
- મને કાઢી મૂકવાની જરૂર નથી, મેં પોતે જ રાજીનામું આપી દીધું છે
- મરાઠા અનામતના મુદ્દે મહારાષ્ટ્ર સરકારમાં ધમાસણ
મહારાષ્ટ્ર સરકારમાં અજીત પવાર જૂથના કેબિનેટ મંત્રી છગન ભુજબળે, પોતે ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ સરકારમાંથી રાજીનામું આપી દીધો હોવાનો ધડાકો કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો. મરાઠા અનામત મુદ્દે નારાજગી પ્રગટ કર્યા બાદ ભાજપના કેટલાક નેતાઓ તથા સરકારના મંત્રીઓએ છગન ભૂજબળને મંત્રીમંડળમાંથી કાઢી મૂકવાની કરેલી માગણી અનુસંધાને ભુજબળે આ ખુલાસો કર્યો હતો.
છગન ભુજબળે મહારાષ્ટ્રમાં પાછલા દરવાજેથી ઓબીસી ક્વોટામાંથી મરાઠાઓને અનામત આપવામાં આવી હોવાનો આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું હતું અને ભુજબળ સમાજમાં ભાગલા પડાવવાની કોશિશ કરતા હોવાના આક્ષેપ થયા હતા.
એ દરમિયાન શનિવારે અહેમદનગરમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે હું મરાઠા આરક્ષણનો વિરોધી નથી પરંતુ તેને કારણે ઓબીસી સમાજનું હિત ન જોખમવું જોઈએ. ઓબીસી ના હિત માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની હાકલ કરતા તેમણે કહ્યું કે આ મુદ્દે મેં 16 મી નવેમ્બરે જ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ એ બાબત જાહેર ન કરવાની વિનંતી કરતા હું અત્યાર સુધી ચૂપ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એનસીપીના ભાગલા કરી અજીત પવાર સરકારમાં જોડાયા ત્યારે છગન ભુજબળે શરદ પવાર નો સાથ છોડ્યો હતો અને તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના રાજીનામા અંગે કરેલા ખુલાસા ને કારણે મહારાષ્ટ્રની યુવતી સરકારના મતભેદો હવે ખુલીને સપાટી ઉપર આવી ગયા છે.