દાહોદના દુષ્કર્મ કેસમાં રેકોર્ડબ્રેક ૧૨ દિવસમાં ચાર્જશીટ દાખલ
પોલીસે એફ.એસ.એલની મદદથી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી કડકમાં કડક સજા થાય તેવું ૧૭૦૦ પાનાનું ચાર્જશીટ ફાઇલ કર્યું
દાહોદ જિલ્લામાં માસુમ બાળા સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવુ મજબુત ૧૭૦૦ પાનાનું ચાર્જશીટ રેકોર્ડબ્રેક ૧૨ દિવસમાં દાખલ કર્યું છે. આ કેસમાં ૧૫૦ જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા હતા. એટલુ જ નહિ, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી અમિત નાયરની નિમણુક કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.
હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, ચાર્જશીટમાં ડીજીટલ એવિડન્સ, ફોરેન્સિક ડી.એન.એ. એનાલીસીસ અને ફોરેન્સિક બાયોલોજિકલ એનાલીસીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ફોરેન્સિક તપાસ અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.
તે ઉપરાંત ફોરેન્સિક કેમેસ્ટ્રીમાં બાળકીમા ઝેરની હાજરી હતી કે નહી તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક વ્હીકલ એનાલીસીસમાં પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમા સફળ રહ્યા નથી, આ ટેસ્ટમા પુરવાર થયુ છે. ફોરેન્સિક ટોક્સીકોલોજી, ફોરેન્સિક વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીમાં આરોપી એ અન્ય સાહેદને ધમકાવ્યા તે ફોનમા રેકર્ડીગ થયુ છે, તેનુ પરીક્ષણ કર્યુ છે, એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્વના સાબિત થતા હોય છે.