ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર ભૂકંપ રેકોર્ડ કર્યો
આજે (1 સપ્ટેમ્બર) ચંદ્રયાન-3ના ચંદ્ર પર લેન્ડરનો નવમો દિવસ છે. 31 ઓગસ્ટના રોજ ISROએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ લુનર સિસ્મિક એક્ટિવિટી (ILSA) પેલોડે ચંદ્રની સપાટી પર ભૂકંપની કુદરતી ઘટનાને રેકોર્ડ કરી છે. આ ભૂકંપ 26 ઓગસ્ટે આવ્યો હતો. ઈસરોએ કહ્યું કે ભૂકંપના સ્ત્રોતની તપાસ ચાલુ છે.
ISROએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે ચંદ્રયાન-3 લેન્ડર પર લાગેલાં ILSA પેલોડ માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ્સ (MEMS) ટેક્નોલોજી પર આધારિત છે. આ પહેલીવાર છે કે જ્યારે ચંદ્રની સપાટી પર આ પ્રકારનું સાધન મોકલવામાં આવ્યું છે. રોવર અને અન્ય પેલોડના હલનચલનથી ચંદ્ર પર થતાં કંપનને આ સાધને રેકોર્ડ કર્યા છે.
ILSA પેલોડ કેવી રીતે કામ કરે છે?
ILSAમાં 6 હાઈ સેન્સિટિવિટી એક્સેલોમીટર્સનું એક ક્લસ્ટર છે. આ એક્સેલોમીટર્સને સિલિકોન માઇક્રોમશીનિંગ પ્રોસેસની મદદથી ભારતમાં જ બનાવવામાં આવ્યું છે. તેના કોર સેન્સિંગ એલિમેન્ટમાં સ્પ્રિંગ માસ સિસ્ટમ છે જેમાં કોમ્બ-સ્ટ્રક્ચરવાળા ઇલેક્ટ્રોડ લાગેલાં છે. બહારના કંપનના કારણે ILSAના સ્પ્રિંગમાં હલનચલન થાય છે, જેથી તેના ઇલેક્ટ્રિકલ ચાર્જને સ્ટોર કરવાની કેપેસિટીમાં ફેરફાર થાય છે. આ ચાર્જ વોલ્ટેજમાં પરિવર્તિત થાય છે.
ILSA નો મુખ્ય ઉદ્દેશ્ય ધરતીકંપ, લેન્ડર અથવા રોવરની અસર કે ચંદ્રની સપાટી પર અન્ય કોઈપણ કૃત્રિમ ઘટનાને કારણે થતાં કંપનોને માપવાનો છે. 25 ઓગસ્ટના રોજ રોવરની હિલચાલને કારણે કંપનો રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં, ત્યારબાદ 26 ઓગસ્ટના રોજ પણ કંપનો રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જોકે તે કુદરતી હોવાનું જણાયું હતું. આ કંપન પાછળનું કારણ શું હતું તેની તપાસ ચાલુ છે.
ILSA પેલોડને બેંગલુરુની લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS)માં ડિઝાઇન અને તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝનો પણ સપોર્ટ રહ્યો. ILSAને ચંદ્રની સપાટી પર કેવી રીતે ડિપ્લોય કરવાનું છે, તેનું મેકેનિઝમ બેંગલુરુના યૂઆર રાવ સેટેલાઇટ સેન્ટર (URSC)માં તૈયાર કરવામાં આવ્યું.
ISROએ પ્રજ્ઞાનનો નવો વીડિયો શેર કર્યો હતો
ગુરુવારે જ ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો એક નવો વીડિયો જાહેર કર્યો છે, જેમાં એ સુરક્ષિત રીતે ચાલી રહ્યું છે અને સારી રીતે રોટેશન (પરિભ્રમણ) કરી રહ્યું છે. પરિભ્રમણનો આ ફોટો લેન્ડર વિક્રમના ઈમેજર કેમેરા દ્વારા લેવામાં આવ્યો છે.
ISROએ લખ્યું- પ્રજ્ઞાન રોવર ચાંદામામાના આંગણામાં થનગનાટ કરી રહ્યું છે અને માતા (લેન્ડર વિક્રમ) એને પ્રેમથી જોઈ રહી છે, શું તમને એવું નથી લાગતું? ચંદ્રયાન-3 એ ચંદ્ર પર પહોંચવાના પાંચમા દિવસે (28 ઓગસ્ટ) બીજું ઓબ્ઝર્વેશન મોકલ્યું, જે મુજબ ચંદ્રના સાઉથ પોલ પર સલ્ફરની હાજરી છે. આ સિવાય ચંદ્રની સપાટી પર એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રની સપાટી પર મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ હાજર છે, જ્યારે હાઈડ્રોજનની શોધ ચાલુ છે. પ્રજ્ઞાન રોવર પરના LIBS પેલોડે આ શોધ કરી હતી.