ICC Champions Trophy : PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી !! ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને વાતાવરણ સંપૂર્ણપણે ગરમ થઈ ગયું છે. ભારતે આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. બીસીસીઆઈએ આઈસીસીને જાણ કરી હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે કોઈપણ કિંમતે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ત્યારથી પાકિસ્તાન ICC પાસે આ પાછળનું કારણ માંગી રહ્યું છે. જ્યારે બીસીસીઆઈ પહેલાથી જ સુરક્ષા કારણોને ટાંકી ચૂક્યું છે. આ દરમિયાન પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી પ્રવાસનું આયોજન કર્યું હતું. પીઓકેના ત્રણ શહેરોમાં જવાની વાત થઈ હતી, પરંતુ હવે આઈસીસીએ તેમને સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી કોઈપણ વિવાદિત સ્થળે નહીં જાય.
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે. આ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટૂર્નામેન્ટની ટ્રોફી પાકિસ્તાનને મોકલી છે. આ ટ્રોફી ગુરુવારે (14 નવેમ્બર) ઇસ્લામાબાદ પહોંચી હતી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. તેઓ આ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને મોકલી શકાશે નહીં.
ટ્રોફી પીઓકેના કોઈપણ શહેરમાં જશે નહીં
તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના ત્રણ શહેરો, સ્કર્દુ, મુરી અને મુઝફ્ફરાબાદમાં લઈ જવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વાંધાઓ બાદ ICCએ આ અંગે નિર્ણય લીધો છે. સાથે જ પાકિસ્તાનને આદેશ આપવામાં આવ્યો છે કે આ ટ્રોફી હવે પીઓકેમાં નહીં જાય.
ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાવાની છે. પરંતુ તેનું શિડ્યુલ હજુ આવ્યું નથી. બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી ચુક્યું છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવામાં આવી શકે છે. અથવા તો આખી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાંથી બીજા દેશમાં શિફ્ટ કરવામાં આવશે.