ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના ચાબખાં
ભાજપનું શાસન આવતા જ કોમી કોમી એખલાસનું નામુ નખાઈ ગયું
ઓડિશામાં ભાજપનું શાસન આવતા જ રાજ્યની શાંતિ હણાઈ ગઈ હોવાનો ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે આક્ષેપ કર્યો હતો. ઓડીસા વિધાનસભામાં ગૃહ મંત્રાલય ની ડિમાન્ડ ગ્રાન્ટ પરની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે ઓડિશા એક સમયે શાંતિ અને કોમી એખલાસ માટે પ્રખ્યાત હતું પરંતુ રાજ્યમાં ભારતીય જનતા પક્ષની સરકાર બનતા જ કોમી ભાઈચારો હવે ભૂતકાળ બની ગયો છે.
તેમણે તાજેતરમાં બાલાસનોર અને ખુર્દ જિલ્લાઓમાં થયેલા કોમી તોફાનો અને હિંસાનો હવાલો આપ્યો હતો. જૂન મહિનામાં બાલાસનોરમાં કથિત ગૌ હત્યાના મુદ્દે કોમી તોફાનો થતાં ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા અને શહેરમાં કર્ફ્યુ લાદી દેવો પડ્યો હતો. છ દિવસ પહેલા ખુર્દ જિલ્લાના માકુંદપ્રસાદ ગામમાં એક શખ્સની હત્યા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને ત્યાં પણ કર્ફ્યુ લાદવાની ફરજ પડી હતી. નવીન પટનાયકે કહ્યું કે આ ઘટનાઓ ખતરા ની ઘંટી સમાન છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે યોગ્ય પગલા લેવા તેમણે ભાજપ સરકારને અનુરોધ કર્યો હતો.
નવીન પટનાયકે રથયાત્રા દરમિયાન ગવર્નર રઘુવીર દાસ ના પુત્ર દ્વારા એક ઉચ્ચ અધિકારી પર હુમલો કરવાની ઘટનાને પણ વખોડી હતી. તેમણે કહ્યું કે ગવર્નર, મુખ્યમંત્રી,પ્રધાન, ધારાસભ્ય કે ઉચ્ચ અધિકારીઓના પુત્ર શું કાયદાથી પર છે? જો તેમ હોય તો ભાજપ સરકારે સત્તાવાર રીતે ઓડિશાની પ્રજાને જાણ કરવી જોઈએ તેવો કટાક્ષ તેમણે કર્યો હતો. રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રની મૂર્તિ પડી જવાને કારણે ઓડીશા અને દેશ વિદેશના લાખો લોકોની લાગણી ઘવાઈ હોવાનું જણાવી તેમણે રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.