રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકર એવોર્ડ; SBI બની શ્રેષ્ઠ ભારતીય બેંક
વોશિંગ્ટનમાં ‘ગ્લોબલ ફાઇનાન્સ’ મેગેઝિને દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સન્માનિત કરાયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને યુએસ મેગેઝિન ‘ગ્લોબલ ફાઈનાન્સ’ દ્વારા ટોચના કેન્દ્રીય બેંકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે તેમને વૈશ્વિક સ્તરે ટોચના કેન્દ્રીય બેન્કર તરીકે સ્થાન મળ્યું છે.
RBI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે,”ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે સેન્ટ્રલ બેંક રિપોર્ટ કાર્ડ 2024 માં ‘A+’ એનાયત કરવામાં આવ્યા છે,” અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ‘ગ્લોબલ ફાઇનાન્સ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં શક્તિકાંત દાસને આ સન્માન આપવામાં આવ્યું હતું.
દાસ ત્રણ સેન્ટ્રલ બેંક ગવર્નરોની યાદીમાં ટોચ પર છે જેમને ‘A+’ રેટિંગ આપવામાં આવ્યું છે. ‘ગ્લોબલ ફાઇનાન્સ’ મેગેઝિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફુગાવાને અંકુશમાં લેવા, આર્થિક વૃદ્ધિના લક્ષ્યાંકો હાંસલ કરવા, ચલણની સ્થિરતા અને વ્યાજ દર વ્યવસ્થાપનમાં સફળતા માટે ‘A’ થી ‘F’ ના સ્કેલ પર રેટિંગ આપવામાં આવ્યું હતું. અહીં ‘A’ તેજસ્વી પ્રદર્શન સૂચવે છે જ્યારે ‘F’ સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. શક્તિકાંત દાસ ઉપરાંત ડેનમાર્કના ક્રિશ્ચિયન કેટલ થોમસન અને સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જોર્ડનને પણ સેન્ટ્રલ બેંકર્સની ‘A+’ શ્રેણીમાં સ્થાન મળ્યું છે.
ગ્લોબલ ફાયનાન્સ મેગેઝીને પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 2024 માટે ભારતની શ્રેષ્ઠ બેંક તરીકે જાહેર કરી છે. એસબીઆઈના ચેરમેન સીએસ શેટ્ટીએ આ એવોર્ડ મેળવ્યો હતો. બેંકને અસાધારણ સેવાઓ પ્રદાન કરવા અને તેના ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કરીને સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતા માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.